Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સુશાસનના મામલે કેરળ દેશનું સૌથી શ્રેષ્ઠ રાજ્ય

પબ્લિક અફેર ઈન્ડેક્સ ૨૦૨૦ના તારણો જાહેર : પીઆઈએ-૨૦૨૦ની યાદીમાં યુપી સૌથી નીચલા સ્થાને

નવી દિલ્હી,તા.૩૧ : પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ પબ્લિક અફેર ઈન્ડેક્સ મુજબ મોટા રાજ્યોની શ્રેણીમાં કેરળ સુશાસનના મામલે દેશનું સર્વશ્રેષ્ઠ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે ઉત્તરપ્રદેશ સૌથી નીચલા સ્થાન પર છે. કેન્દ્રશાસિત રાજ્યોમાં ચંડીગઢ સૌથી શ્રેષ્ઠ તરીકે ઉભર્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના પૂર્વ ચેરમેન અને પીએસીના ચીફકે કસ્તૂરીરંગને અહેવાલ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, રાજ્યોને સ્થાયી વિકાસના સંદર્ભમાં સૂચકઆંક (ઈન્ડેક્સ) આપવામાં આવ્યો હતો. ઇક્વિટી, વૃદ્ધિ અને સ્થિરતા એમ ત્રણ આધારસ્તંભો દ્વારા નિર્ધારિત સ્થાયી વિકાસના સંદર્ભમાં સરકારની કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વિશ્લેષણમાં સરકારી સૂત્રો પાસેથી મળેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દક્ષિણના ચાર રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક બે કરોડથી વધુ વસ્તી ધરાવતા ૧૮ મોટા રાજ્યોની યાદીમાં ટોચ પર છે.

કેટેગરીમાં નેગેટિવ પોઈન્ટ મેળવીને ઓડિશા અને બિહાર રેક્નિંગમાં સૌથી તળીયે હતા. બે કરોડથી ઓછી વસ્તી ધરાવતા નાના રાજ્યોની કેટેગરીમાં ગોવા પ્રથમક્રમે છે, ત્યારબાદ મેઘાલય અને હિમાચલ પ્રદેશ છે. કેટેગરીમાં મણિપુર, દિલ્હી અને ઉત્તરાખંડનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. પીએઆઈ ૨૦૨૦ એક નવુ પાસુ ડેલ્ટા વિશ્લેષણ પરનું પ્રકરણ છે. રાજ્યનું પ્રદર્શન અને રેંકિંગ પર પરિણામ ૨૦૧૫-૧૬ પછીના પાછલા પાંચ વર્ષોમાં ડેલ્ટા મૂલ્ય તરીકે માપવામાં આવ્યું. જ્યારે પહેલી પીએઆઈ ૨૦૧૯-૨૦માં જાહેર કરવામાં આવી હતી, જે પીએઆઈ ૨૦૨૦ દ્વારા આવરી લેવામાં આવી હતી. રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા કે જે પીએઆઈ-૨૦૨૦માં નીચલા સ્થાને છે તે મોટા રાજ્યોની કેટેગરીમાં ઈક્વિટીના મામલે ટોપ પર્ફોર્મ્સ છે. જ્યારે કેરળ, પંજાબ અને મહારાષ્ટ્ર નીચલા સ્થાને છે.

(7:13 pm IST)