Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ભુકંપનું એપી સેન્ટર એજિયન સમુદ્રના પેટાળમાં ૧૬ કિમી. અંદર

તુર્કીમાં આવેલા પ્રચંડ ભૂકંપથી ૨૨ના મોતઃ ૨૦,૦૦૦થી વધુને ઇજા

નવી દિલ્હી, તા.૩૧: તુર્કીમાં ૭ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટકતા હાહાકાર મચી ગયો હતો. ૨૨ લોકોનાં મોત થયા હતા અને ૨૨,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપનું એપી સેન્ટર એજિયન સમુદ્રના પેટાળમાં ૧૬ કિલોમીટર અંદર દર્જ થયું હતું. તુર્કી ઉપરાંત ગ્રીસમાં પણ ભૂકંપની અસર થઈ હતી. લાખો લોકો આ ભૂકંપથી પ્રભાવિત થયા હતા

તુર્કી અને ગ્રીકના ટાપુમાં ભૂકંપ ત્રાટકયો હતો. તુર્કીના ઈઝમિર શહેરમાં ૨૦ જેટલી ઈમારતો ધરાશાયી થઈ હતી. તુરંત બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. સરકારે ૩૮ એમ્બ્યુલન્સ, બે એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર્સ અને ૩૫ મેડિકલ રેસ્કયૂ ટીમને તૈયાર કરીને બચાવ કામગીરી શરૂ કરાવી હતી. ઈઝમિર શહેરમાં લગભગ ૧૦૦ જેટલાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવાયા હતા. ઈઝમિરમાં અસંખ્ય ઈમારતોને નુકસાન થયું છે.

ગ્રીસ સરકારે સામોસ ટાપુમાં રહેતા ૫૦ હજાર લોકોને દરિયાથી સલામત અંતરે રહેવાની તાકીદ કરી હતી. ભૂકંપનું એપી સેન્ટર ગ્રીસના આ ટાપુથી દ્યણું નજીક હોવાથી સુનામી ઉપરાંત ભૂકંપની શકયતા છે. અમેરિકન જિયોલોજિકલ એજન્સીના કહેવા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર ગ્રીસના નોન કાર્લોવસિયન શહેરની ઉત્તર-પૂર્વમાં ૧૪ કિલોમીટર દૂર હતું.

સૌથી નજીક આવેલા આ ભૂભાગમાં સૌથી વધારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નિષ્ણાતોના મતે તુર્કી અને ગ્રીસ જમીનની અંદર આવેલી એવી પ્લેટની બરાબર ઉપર આવેલું છે, જયાં ભૂકંપની સૌથી વધુ શકયતા હોય છે. આ વિસ્તારમાં છેલ્લાં દશકામાં ભયાનક અને શકિતશાળી ભૂકંપ ત્રાટકી ચૂકયા છે.

(12:41 pm IST)