Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

અર્થીબાબા તરીકે ઓળખાય છે

અનોખો નેતાઃ પ્રચાર કરવાનો હોય, મત માગવા જવાનું હોય આ તમામ કામ અર્થી પર જ કરે છે આ ઉમેદવારઃ કાર્યકર્તા આપે છે કાંધ

લખનૌ, તા.૩૧: ૩ નવેમ્બરના રોજ યુપીમાં સાત વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થવાનુ છે. રાજકીય પાર્ટીઓની સાથે સાથે અહીં અર્થી બાબા પણ પ્રચારમાં જોડાઈ ગયા છે. જો કે, તેમના પ્રચારની સ્ટાઈલ થોડી અલગ છે. હકીકતમાં જોઈએ તો, ગોરખપુરના રાજન યાદવ ઉર્ફ અર્થી બાબા પેટાચૂંટણીમાં દેવરિયા સદર સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. જયાં તેઓ અર્થ પર સવાર થઈને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. લોકો પણ તેમની આ સ્ટાઈલ જોઈને હૈરાન થઈ ગયા છે.

સૌથી અગત્યની વાત તો એ છે કે, પ્રચાર કરવાનો હોય, આંદોલન કરવાનુ હોય, ઉમેદવારી પત્ર ભરવાનુ હોય, આ તમામ કામ અર્થી પર જ કરે છે. તેમનું ચૂંટણી ચિન્હ પણ હાંડી રાખેલુ છે.

અર્થી બાબા અત્યાર સુધીમાં ૧૧ વાર ચૂંટણી લડી ચુકયા છે. જયારે નામાંકન માટે કલેકટર કચેરીએ પહોંચે છે, ત્યારે પણ તેઓ અર્થી પર જ જાય છે. તેમના સમર્થકો તેમને કાંધ આપે છે. સાથે જ કાર્યકર્તાઓ રામ નામ ઝપતા જતા હોય છે. આટલુ જ નહીં અર્થી પર બેસીને વોટ માગતા આ નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અર્થી બાબા એટલે કે રાજન યાદવે યુવાન છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ એકટીવ છે. વર્ષ ૨૦૦૮માં તેણે MBA પણ કરેલુ છે. બેંકોકમાં એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતો પણ બાદમાં તે છોડી દીધી. ત્યારે હવે તે ખુદ પોતાની જાતને સામાજિક કાર્યકર ગણાવે છે.

આપને જણાવી દઈએ કે, આ અર્થી બાબા ગોરખપુરમાં સાંસદ યોગી આદિત્યનાથની વિરુદ્ઘ ૨૦૦૯માં લોકસભા ચૂંટણી લડી ચુકયા છે. જયારે ૨૦૧૪માં લખનઉમાં રાજનાથ સિંહ વિરુદ્ઘ અને વારાણસીમાં વડાપ્રધાન મોદી વિરુદ્ઘ પણ ઉમેદવારી નોંધાવી હતી.

(10:39 am IST)