Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

EVMમાં ચૂંટણી ચિહ્નની જગ્યાએ ઉમેદવારનું નામ અને લાયકાત દર્શાવો: સુપ્રીમમાં અરજી

ચૂંટણી ચિહ્નના ઉપયોગને ગેરકાયદેસર, ગેરબંધારણીય અને બંધારણના ઉલ્લંઘન કરનારા જાહેર કરવો જોઈએ

નવી દિલ્હી: ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીનોમાં રાજકીય પાર્ટીઓના ચૂંટણી ચિહ્ન હટાવીને તેમના સ્થાને ઉમેદવારોનું નામ, ઉંમર અને શૈક્ષણિક લાયકાત તથા ફોટાનો ઉપયોગ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે આ અરજી ભાજપના નેતા અને વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે દાખલ કરી છે. જેમાં આગ્રહ કરવામાં આવ્યો છે કે, ચૂંટણી ચિહ્નના ઉપયોગને ગેરકાયદેસર, ગેરબંધારણીય અને બંધારણના ઉલ્લંઘન કરનારા જાહેર કરવો જોઈએ.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજનીતિને ભ્રષ્ટાચાર અને ગુનેગારોથી મુક્ત કરવાની દિશામાં આ ઉત્તમ પગલુ હશે. જેમાં મતપત્રો અને EVMમાં રાજનીતિક પાર્ટીઓના ચૂંટણી ચિહ્નો હટાવીને તેના સ્થાન પર ઉમેદવારોનું નામ, ઉંમર અને શૈક્ષણિક લાયકાત સાથે તેમનો ફોટો લગાવવામાં આવે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે, ચૂંટણી ચિંહ્ન વિનાના EVM હોવાથી અનેક ફાયદા થશે. જેનાથી મતદારોને પ્રામાણિક અને યોગ્ય ઉમેદવારોની પંસદગી કરવામાં મદદ મળશે.

અરજીમાં જણાવ્યા પ્રમાણે, ચૂંટણી ચિહ્ન વિનાના મતપત્રકો અને EVMથી ટિકિટ વિતરણમાં રાજનીતિક પાર્ટીઓના હાઈકમાન્ડની જોહુકમી પર અંકુશ લાગશે અને પ્રજાના હિત માટે પ્રામાણિકથી કામ કરનારા લોકોને પાર્ટીની ટિકિટ આપવા મજબૂર થશે. બિન સરકારી સંગઠન એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સના રિસર્ચને ટાંકીને અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 539 સાંસદોમાંથી 233 સાંસદોએ પોતાના વિરુદ્ધ ગુનાહિત કેસોની જાણ કરી છે.

અરજી અનુસાર, 2014ની ચૂંટણીમાં વિજયી 542 સાંસદોમાંથી 185એ પોતાના વિરુદ્ધ ગુનાહિત કેસોની જાણકારી આપી છે. જ્યારે 2009ની લોકસભા ચૂંટણીમાં જીતેલા 543 સાંસદોમાંથી 162 સભ્યોએ પોતાના વિરુદ્ધ ચાલતા ગુનાહિત કેસોની કબૂલાત કરી હતી. આવી સ્થિતિનું મૂળ કારણ મતપત્રકો અને EVMમાં રાજનીતિક પાર્ટીઓના ચૂંટણી ચિહ્નનો ઉપયોગ છે.

(10:15 am IST)