Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

કરાંચી-રાવલપિંડી તેજગ્રામ એક્સ.માં સિલિન્ડર બ્લાસ્ટ

બ્લાસ્ટમાં ૭૩ લોકોના મોત, ૪૦ લોકો ઘાયલ : ઇમરાખાને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી જીવ બચાવવા ચાલુ ટ્રેનમાંથી કૂદવાને લીધે મોત થયા છે

કરાંચી, તા. ૩૧ : પાકિસ્તાનમાં કરાંચીથી રાવલપિંડી જઈ રહેલી તેજગ્રામ એક્સપ્રેસમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટનામાં મોતનો આંકડો વધીને ૭૩ ઉપર પહોંચી ગયો છે. મિડિયા અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો ટ્રેનમાં વિસ્ફોટનું કારણ યાત્રી પાસે રહેલો નાના ગેસ સિલિન્ડર હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે ટ્રેન પંજાબના રાહિમ યાર ખાન જિલ્લાથી પસાર થઇ રહી હતી. ટ્રેનમાં યાત્રી સિલિન્ડર દ્વારા નાસ્તો બનાવવાના પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે, ટ્રેનના ત્રણ ડબ્બા બળીને ખાક થઇ ગયા હતા. છેલ્લા ૧૫ વર્ષોમાં પાકિસ્તાનમાં સૌથી મોટી રેલવે દુર્ઘટના તરીકે આને જોવામાં આવે છે. જો કે, તપાસમાં દુર્ઘટના અંગે રેલ યાત્રી જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે

                  પાકિસ્તામાં ગુરુવારે કરાચી-રાલલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં બ્લાસ્ટ થયો છે. ઘટના પંજાબ પ્રાંતના દક્ષિણમાં રહીમ યાર ખાનની પાસે થઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, ખાવાનું રાંધવા માટે વાપરવામાં આવતા ગેસ કનેકટરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ત્રણ કોચમાં આગ લાગી છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ પ્રમાણે ઘટનામાં અત્યાર સુધી ૭૩ લોકોના મોત થયા છે, જ્યારે ૪૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રેલવે મંત્રી શેખ રશિદે કહ્યું કે સિલિન્ડર ફાટ્યા બાદ ત્રણ ડબ્બામાં આગ ફેલાઈ હતી. મોટા ભાગના મોત ચાલુ ટ્રેનમાંથી જીવ બચાવવા કૂદવાને કારણે થયા છે. રહીમ યાર ખાનના ડેપ્યુટી કમિશ્નર જમીલ અહમદના જણાવ્યા મુજબ, હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી. સેનાના હેલિકોપ્ટરને પણ રેસ્કયુમાં લગાવવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને લિયાકતપુર હોસ્પિટલ અને ગંભીર સ્થિતિવાળાને હેલિકોપ્ટરથી મુલ્તાન મોકલવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાન ઈમરાન ખાને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી હતી.

(8:05 pm IST)