Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

એકનાથ શિવસેના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા

આદિત્ય ઠાકરે રાજ્યપાલને મળવા પહોંચ્યા : ભાજપ શિવસેનાને નાયબ મુખ્યપ્રધાન તેમજ ૧૩ મંદીપદ આપવા માટે તૈયાર : ટૂંકમાં જ એનડીએની સરકાર બનશે

મુંબઈ, તા. ૩૧ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાના એક સપ્તાહ જેટલો સમય થઇ ચુક્યો છે પરંતુ સત્તા માટે રસાકસી હજુ સુધી જારી છે. ભાજપ અને શિવસેના વચ્ચે હજુ ૫૦-૫૦ની ફોર્મ્યુલા પર મામલો અટવાઈ પડ્યો છે. તમામ વચ્ચે શિવસેના ધારાસભ્ય દળની બેઠકમાં એકનાથ શિંદેને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. આના માટે આદિત્ય ઠાકરેએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે અંગે શિવસેનાના તમામ ૫૬ ધારાસભ્યોએ સહમતિ દર્શાવી હતી. જો કે, આનો મતલબ નથી કે, આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનવાની સંભાવના પૂર્ણ થઇ ગઇ છે. એકનાથને નેતા બનાવ્યા બાદ પણ શિવસેના આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી માટે આગળ કરી શકે છે. તમામ ધારાસભ્યો આજે રાજ્યપાલ સાથે બેઠક કરવાના છે જેથી રાજનીતિ ગરમી વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે કસાકસી ચાલુ છે. ગુરૂવારે શિવસેના ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી.

                તેમાં એકનાથ શિંદેને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. પહેલા બુધવારે ભાજપના ધારાસભ્યોએ દેવેન્દ્ર ફડણવીસને તેમના નેતા તરીકે ચૂંટ્યા હતા. અત્યારે આદિત્ય ઠાકરે અને રામદાસ કદમ મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંઘ કોશ્યારીને મળવા રાજભવન પહોંચ્યા છે. મહારાષ્ટ્રમાં એનડીએ સરકાર બનાવવા માટે ભાજપ વખતે શિવસેનાને ડેપ્યુટી સીએમ અને ૧૩ મંત્રી પદ આપવા માટે તૈયાર છે પરંતુ ગૃહ, રાજસ્વ, નાણા અને નગરીય વિકાસ જેવા વિભાગ શિવસેનાને આપવા માટે તૈયાર નથી. શિવસેનાની નજર વિભાગો પર છે. ગત સરકારમાં શિવસેનાને કેબિનેટ અને રાજ્યમંત્રી પદ આપવામાં આવ્યા હતા. પાર્ટી સૂત્રો પ્રમાણે ભાજપને શિવસેનાને ઉપમુખ્યમંત્રી પદ આપવામાં કોઇ સમસ્યા નથી પરંતુ ગૃહ મંત્રાલયનું પદ આપવા તૈયાર નથી. શિવસેનાના ધારાસભ્યોની બેઠક પહેલા સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું, ''ગઠબંધન આજે પણ છે તે હું પણ માનું છું.

                પરંતુ આપણને તેના રાજધર્મનું પાલન કરવું જોઇએ. સત્તાની સ્થાપના માટે ૫૦-૫૦નો ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી પદ સાથે અન્ય મહત્વપૂર્ણ પદોની પણ સમાન રૂપે વહેચણી થવી જોઇએ. જો ભાજપ પાસે બહુમત છે તો તેને સત્તાનો દાવો કરવો જોઇએ.'' ''જો ભાજપના મોટા નેતા કહી રહ્યા હોય કે અમારી પાસે વિકલ્પ ખુલા છે તો શિવસેના કોઇ બચ્ચા પાર્ટી નથી. અમે ૫૦ વર્ષથી જૂની પાર્ટી છીએ. વિકલ્પ દરેક પાસે ખુલા છે. ભાજપના નેતા સુધીર મુનગંટીવાર દ્વારા શિવસેના માટે વિનાશકાળે વિપરિત બુદ્ધિ જેવા શબ્દોના ઉપયોગ પર રાઉતે કહ્યું કે તેઓ પોતાના વિશે આવું કહી રહ્યા છે. ભાજપ તરફથી શિવસેના સાથે મળીને ગઠબંધન સરકાર બનાવવાના દાવા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકાર બનાવવા માટે ભાજપ તરફથી હજુ સુધી કોઇ સંપર્ક કરવામાં આવ્યો નથી. બુધવારે માતોશ્રીમાં પત્રકારો સાથે અનૌપચારિક વાતચીતમાં ઉદ્ધવે કહ્યું કે જે સંભવ થશે તે બધુ કરીશ. સંભવતઃ ઉદ્ધવનો ઈશારો રાજ્યમાં ભાજપ વિના સરકાર બનાવવાના વિકલ્પો તરફ હતો.

(7:57 pm IST)