Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

શેરબજાર નવી ઉંચાઇએઃ સેન્સેકસ ૪૦૩૦૦

છેલ્લા ૪ સત્રમાં સેન્સેકસમાં ૧૦૦૦ પોઇન્ટનો ઉછાળોઃ નીફટી ૩૦૦ પોઇન્ટ અપ : ફેડરલ રીઝર્વે વ્યાજદર ઘટાડતા શેરબજારમાં રોનકઃ બેંક-રીયલ્ટી અપઃ ડોલર સામે રૂપિયો ૭૦.૪

મુંબઇ, તા.૩૧:વિક્રમ સંવત ૨૦૭૬ના નવા વર્ષમાં જ સેન્સેકસમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત સેશનમાં સેન્સેકસને ૪૦ હજારની સપાટી ઉપર બંધ રહેવામાં સફળતા મળી હતી. ત્યારબાદ આજેે પણ સેન્સેકસ ખુલતામાં ૨૫૬ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦,૩૦૮ની નવી વિક્રમી સપાટીને સ્પર્શ્યો હતો. અગાઉ ૪ જૂન ૨૦૧૯ના રોજ સેન્સેકસ ૪૦ હજાર ઉપર બંધ રહ્યો હતો. ફેડરલ રીઝર્વે વ્યાજદર ઘટાડતા રોનક જોવા મળી છે.

વિદેશી ફંડોની આકર્ષક લેવાલી તેમજ વૈશ્વિક અને સ્થાનિક પ્રોત્સાહક પરિબળોને પગલે સેન્સેકસ ૨૫૬ પોઈન્ટ વધીને ૪૦,૩૦૮ તેમજ નિફટી ૭૮ પોઈન્ટ વધીને ૧૧,૯૨૨ પર ટ્રેડ થઈ રહ્યા હતા.

એસબીઆઈ, ઇન્ફોસિસ, આઈટીસી, સન ફાર્મા, એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરોમાં લેવાલી જોવા મળી હતી. છેલ્લા  જ સત્રમાં સેન્સેકસ ૧૦૦૦ તથા નીફટી ૩૦૦ પોઇન્ટ વધ્યા છે.

ગત સેશનમાં સેન્સેકસ ૨૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦,૦૫૧.૮૭ પર બંધ રહ્યો હતો. ૪ જૂન ૨૦૧૯ પછી સેન્સેકસ પ્રથમ વખત ગઈકાલે ૪૦ હજારની સપાટી પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૭,૧૯૨.૪૨ કરોડની નેટ લેવાલી કરી હતી. જયારે સ્થાનિક ફંડોએ ૧૮૫.૮૭ કરોડની નેટ વેચવાલી કરી હતી.

નિફટીમાં ૧૨,૧૦૩ રેકોર્ડ સ્તર છે અને હાલમાં તે રેકોર્ડ સપાટીએથી ૧૭૫ પોઈન્ટ દૂર છે. યુએસ ફેડ દ્વારા વ્યાજ દર ઘટાડાના નિર્ણયથી અમેરિકાના શેરબજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું જેને પગલે સાનુકૂળ અસરને પગલે સ્થાનિક બજારમાં પણ ઉછાળો નોંધાયો હતો. આજે બેંક-રીયલ્ટીમાં ઉછાળો જોવા મળ્યો છે.

(3:23 pm IST)