Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

અનેક દુકાનોમાં શ્રીખંડ લેવા લાઇનો લાગી

ભાઇબીજે મુંબઇમાં ૯૦,૦૦૦ કિલો શ્રીખંડઃ ૫૦,૦૦૦ કિલો કાજુ કતરીનું વેચાણ થયું

મુંબઇ, તા.૩૧: ભાઇબીજના દિવસે મંગળવારે મુંબઈમાં શ્રીખંડ હીટ રહ્યો હતો. લોકોએ આ વખતે શ્રીખંડ પૂરી પર પસંદગી ઉતારી હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈમાં ભાઇબીજના દિવસે અંદાજે ૯૦,૦૦૦ કિલો શ્રીખંડ વેચાયો હતો જેમાં કેસર, ડ્રાયફ્રૂટ, આમ્રખંડ, અંજીર ફલેવરના શ્રીખંડની વધુ માગ હતી, એમ દુકાનદારોનું કહેવું છે.

સામાન્ય રીતે મહારાષ્ટ્રીયનો ભાઇબીજના દિવસે ભાઇ ઘરે જમવા આવે ત્યારે નોન-વેજ ભોજન બનાવતા હોય છે, પરંતુ આ વખતે ભાઇબીજ મંગળવારે આવ્યો હોવાથી મોટા ભાગના લોકોએ માંસાહાર કરતા મિષ્ઠાન પિરસવાનું વધુ પસંદ કર્યું હતું.

મુંબઈની જાણીતી મીઠાઇની દુકાનોમાંથી અંદાજે ૧૫૦થી ૨૦૦ કિલો શ્રીખંડ વેચાયો હોવાની માહિતી મળી હતી. ભાઇબીજ મંગળવારે હોવાની જાણ હોવાથી સોમવાર રાતથી જ મીઠાઇની દુકાનોમાંથી શ્રીખંડ વેચાવાનું શરૂ થઇ ગયું હતું. મંગળવારે ૧૨ વાગ્યાની આસપાસ શ્રીખંડની ખરીદી માટે રીતસરની લાઇનો લાગી હતી.

'ચાલુ વર્ષે શ્રીખંડને સારો પ્રતિસાદ મળ્યો છે. સોમવારે રાત્રે જ મોટા ભાગનો શ્રીખંડ વેચાઇ ગયો હોવાથી તાત્કાલિક નવો શ્રીખંડ તૈયાર કરવાની ફરજ પડી હતી. મંગળવારે સાંજ સુધી ૨૦૦ કિલો શ્રીખંડનું વેચાણ થયું હતું', એમ એક જાણીતી મીઠાઇની દુકાનના માલિકે જણાવ્યું હતું. આ સિવાય દિવાળી દરમિયાન મુંબઈમાં અંદાજે ૫૦,૦૦૦ કિલો કાજુ કતરી વેચાઇ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

(11:46 am IST)