Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

આશા નહિ રાખતા

સરકાર ઇન્કમટેક્ષમાં કોઇ રાહત નહિ આપે

સરકારને પોતાની યોજનાઓ પાછળ વધુ ખર્ચ કરવાનો છે

નવી દિલ્હી, તા.૩૧: વ્યકિતગત આવકવેરાના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી સંભાવના નથી તેવું સ્ત્રોતો દ્વારા જાણવા મળ્યું છે. નાણામંત્રાલયે કોર્પોરેટ ટેકસ રેટમાં દશ ટકા સુધીનો ઘટાડો જાહેર કર્યો તે પર્સનલ ઈન્કમટેકસમાં ઘટાડો કરવા સરકાર પર દબાણ આવી રહ્યું છે. અર્થતંત્રમાં મંદી, ટેકસની પ્રાપ્તિમાં ઘટાડો વિગેરે કારણોથી હાલના તબક્કે વ્યકિતગત આવકવેરામાં ઘટાડો કરવું સંભવ નથી તેવું સ્ત્રોતો જણાવે છે.

વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારે સીધા વેરા પ્રાપ્તિ લક્ષ્યાંક ૧૩.૮૦ લાખ કરોડ રૂપિયાનો રાખ્યો છે. આયુષ્યમાન ભારત, મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એકટ (મનરેગા), પીએમ-કિસાન, પીએમ આવાસ યોજના સહિતની સામાજિક કલ્યાણ યોજનાઓ માટે સરકારને વધુ આવકની આવશ્યકતા છે.

કોર્પોરેટ ટેકસ રાહતથી ૧.૪૫ લાખ કરોડ રૂપિયાની ઘટ પડશે અને મંદીના કારણે જીએસટી પ્રાપ્તિ રકમમાં ઘટાડો થઈ રહ્યો છે. આથી આડકતરા ટેકસ પ્રાપ્તિ પર દબાણ આવી રહ્યું છે. ત્યારે સરકારને સામાજિક કલ્યાણ યોજનાઓ માટે વધુ ભંડોળની જરૂરિયાત છે.

પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર ટેકસ માફી સહિત કરદાતાઓને સંખ્યાબંધ છૂટછાટો આપવામાં આવી છે અને હવે વધુ છૂટછાટો માટે અવકાશ નથી. ગયા વર્ષે વ્યકિતગત આવકવેરા પ્રાપ્તિ રૂપિયા ૪.૭ લાખ કરોડ જેટલી થઈ હતી. આ વર્ષે વ્યકિતગત આવકવેરા પ્રાપ્તિમાં ૨૩ ટકા વધારો થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

(11:42 am IST)