Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

કાલથી હેલ્મેટ-પી.યુ.સી.નો અમલઃ પ્રારંભે સખતાઇ ઓછી, હળવાશ વધુ

હવે મુદત નહિ વધારવાનો સરકારનો નિર્દેષઃ સરકાર સામે લોકોની નારાજગી થાય તે રીતે ન વર્તવા પોલીસને સુચના : ટ્રાફિકના નવા નિયમોના અમલ માટે તૈયાર રહેજોઃ એચ.એસ.આર.પી.ની મુદત વધે તેવી શકયતા

રાજકોટ, તા. ૩૧ :. રાજ્ય સરકાર દ્વારા ટુ વ્હીલર્સ ચાલક માટે હેલ્મેટ અને તમામ વાહનો માટે પીયૂસીના અમલમાં દોઢ મહિનાની રાહત આપ્યા બાદ આવતીકાલથી અમલ થનાર છે. સરકારે ૩૧ ઓકટોબર સુધીની મુદત આપેલ તે પુરી થઈ રહી છે. મુદત વધારવાની કોઈ જાહેરાત સરકારે હજુ સુધી કરી નથી તેથી આવતીકાલથી અમલ નિશ્ચિત મનાય છે. જો કે દોઢ મહિના પહેલા અમલ વખતે પોલીસની ઝુંબેશથી લોકોમાં આક્રોશ ફાટી નીકળેલ તેનુ પુનરાવર્તન અટકાવવા સરકારે પોલીસને સખ્તાઈને બદલે હળવે હળવે લોકોને નવા કાયદાનો અમલ કરવાની ટેવ પાડવાની સૂચના આપ્યાનું જાણવા મળે છે.

ટ્રાફીકના નવા નિયમો અત્યારે અમલમાં છે. હેલ્મેટ અને પીયૂસીમા સરકારે ૩૧ ઓકટોબર સુધીની મુદત આપેલ. સરકાર ધારે તો હજુ પણ મુકિત મર્યાદા વધારી શકે છે પરંતુ આજે બપોર સુધી એવા કોઈ એંધાણ નથી. સરકારના ટોચના વર્તુળો આવતીકાલથી હેલ્મેટ અને પીયૂસી સહિતના ટ્રાફીકના તમામ નવા નિયમોનો અમલ થવાનો નિર્દેશ કરી રહ્યા છે. હેલ્મેટ વગર વાહન ચલાવનારને રૂ. ૫૦૦ના દંડની જોગવાઈ છે. વારંવાર નિયમ ભંગ કરનાર સામે સરકાર ગંભીર પગલા લઈ શકે છે. સરકારે બે વખત મુદત વધાર્યા બાદ હવે આવતીકાલથી અમલ થાય તેવા નિર્દેશ મળે છે. હાઈસિકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટની મુદતમાં વધારો કરવામાં આવે તેવી શકયતા છે.

હેલ્મેટનો ચૂસ્ત અમલ કરાવવો સરકાર માટે મોટો પડકાર છે. પોલીસ અને વાહન ચાલકો વચ્ચે સંઘર્ષ ન થાય તે માટે સરકારે પોલીસને સરકાર બદનામ ન થાય તેની કાળજી સાથે નવા નિયમોનો અમલ કરાવવા જણાવ્યાનું જાણવા મળે છે. આજની સ્થિતિ મુજબ જો સરકાર મુકિતની કોઈ નવી જાહેરાત ન કરે તો આવતીકાલથી હેલ્મેટ વગર નિકળનાર ટુવ્હીલર્સ વાહન ચાલક દંડને પાત્ર બનશે. પોલીસ કેવી રીતે અમલ કરાવે છે ? તે તો સમય જ બતાવશે.

(3:45 pm IST)