Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

હવે સોના ઉપર 'સર્જિકલ સ્ટ્રાઈક'ની તૈયારી

નોટબંધી બાદ સરકાર બીજુ મોટુ પગલુ લેવાની તૈયારીમાં: જો તમારી પાસે નિશ્ચિત માત્રાથી વધુ બિલ વગરનું સોનુ હશે તો તમારે સરકારને તેની માહિતી આપવી પડશેઃ સોના સ્વરૂપે કાળુ નાણુ રાખનાર દંડાશેઃ લિમિટથી વધુ સોનુ હશે તો ઈન્કમટેક્ષ ભરવો પડશેઃ દેશની પ્રજા પાસે રહેલુ સોનુ જાહેર કરાવવા માટે એમનેસ્ટી સ્કીમ આવે છેઃ સરકાર ૫૦૦ કે ૧૦૦૦ ગ્રામની લીમીટ નક્કી કરશેઃ લીમીટથી વધુ સોનુ હશે તો ૩૩ ટકા જેટલો ટેક્ષ ચુકવવો પડશે

નવી દિલ્હી, તા. ૩૧ :. સોના સ્વરૂપે કાળુ નાણુ રાખનારાઓની હવે ખેર નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર નોટબંધી બાદનું બીજુ સૌથી મોટુ પગલુ લેવા જઈ રહી છે. એક નિશ્ચિત માત્રાથી વધુ બિલ વગરનું સોનુ હશે તો તેની માહિતી સરકારને આપવી પડશે અને તેની કિંમત સરકારને જણાવવી પડશે. સાથોસાથ તેના પર ટેક્ષ ચુકવવો પડશે અને ન જણાવવા પર ભારે દંડ ભરવો પડશે. રસીદ કે બિલ વગર કેટલુ સોનુ ઘરમાં રાખી શકાય તેની લીમીટ-સીમા પણ સરકાર નક્કી કરશે જે ૫૦૦ કે ૧૦૦૦ ગ્રામ સુધીની રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્લેક મની પર લગામ કસવા માટે આ મોટુ પગલુ હોઈ શકે છે કારણ કે બ્લેક મનીને ખપાવવા માટે મોટા પ્રમાણમાં સોનુ ખરીદાય છે. નોટબંધી દરમ્યાન સરકારને આ માહિતી મળી હતી.

નવેમ્બર ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં કાળુ નાણુ બહાર લાવવા માટે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની તત્કાલીન નોટ રદ કરી નોટબંધી જાહેર કરી હતી. દિવાળી પછી થયેલી આ જાહેરાતથી સમગ્ર દેશની પ્રજા પોતાના હાથ ઉપર જૂની નોટો બદલવા અથવા તો તેને બેન્કમાં જમા કરાવવા માટે ૫૦ દિવસ સુધી લાઈનમાં ઉભી રહેલી જોવા મળી હતી. હવે દિવાળી ૨૦૭૫ પછી સરકાર ફરી એકવાર કાળુ નાણુ બહાર લાવવા માટે નવી સ્કીમ લઈને આવી રહી હોવાનું જાણવા મળ્યુ છે.

જો કે સરકાર દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી, પણ સૂત્રો આધારિત મળી રહેલા ખબર અનુસાર આ વખતે સરકારની નજર પ્રજાના ઘરમાં રહેલા સોના ઉપર છે. ભારતીયો સોનુ ખરીદવા અને તેનો સંગ્રહ કરવાના પ્રેમ માટે જાણીતા છે. ભારતીયો પાસે લગભગ ૨૦,૦૦૦ ટન સોનુ હોવાનો અંદાજ છે અને તેમા સત્તાવાર સિવાય આવેલુ સોનુ, વારસાઈ સોનુ અને સ્મગલિંગ થકી આવેલુ સોનુ ગણવામા આવે તો ૨૫,૦૦૦ ટન જેટલુ થાય છે. વર્તમાન ભાવે તેની કિંમત લગભગ ૧.૫ ટ્રિલ્યન ડોલર કે ૧૦૬ લાખ કરોડ રૂપિયા થાય !

મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકાર લોકો પાસેનુ સોનુ જે તે જાહેર કરવા માટે એમનેસ્ટી સ્કીમ જાહેર કરી શકે છે. આ યોજના અનુસાર કેટલીક ચોક્કસ માત્રામાં સોનુ હોય તેના કરતા વધારે સોનુ કોઈ પાસે હોય તો તેના ઉપર ઈન્કમ ટેકસ ભરવાનો આવશે. આ ચોક્કસ માત્રા કે કેટલો ઈન્કમ ટેકસ એ અંગે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. કેન્દ્ર સરકારનું નાણા મંત્રાલય હેઠળનું રેવન્યુ અને ઈકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ આ સ્કીમ તૈયાર કરી રહ્યુ છે તેને કેબીનેટ સમક્ષ મુકવામાં આવશે અને પછી તેની જાહેરાત થઈ શકે છે એવુ સૂત્રો ઉમેરે છે.

વધુ વિગતો અનુસાર સોનાની ખરીદી અંગે કોઈની પાસે ખરીદીની પહોંચ હોય તે પુરાવા તરીકે પણ લોકોએ આપવાના રહેશે. એમનેસ્ટી સ્કીમ એક ચોક્કસ મુદતની હશે. આ પછી ચોક્કસ માત્રા કરતા વધારે સોનુ મળી આવે તો સરકાર તેમની પાસેથી કર અને ભારે પેનલ્ટી વસુલ કરવામાં આવે એવી વિચારણા કરી રહી છે.

સૂત્રો જણાવે છે કે નોટબંધી સમયે સરકારને રોકડ સ્વરૂપે રહેલુ કાળુ નાણુ બહાર લાવવામાં નિષ્ફળતા મળી હતી. એ સમયે એવી દલીલ થઈ હતી કે દેશની પ્રજા રોકડ સ્વરૂપે બહુ ઓછું કાળુ નાણુ રાખે છે અને તેનુ સ્વરૂપ સોનુ અને રિઅલ એસ્ટેટમાં વધારે માત્રામાં છે. એટલે જ ૧૫.૪ લાખ કરોડ રૂપિયાની નોટો રદ્દ થઈ તેમાથી ૯૯.૩ ટકા નોટો બેન્કોમાં જમા થઈ ગઈ હતી. આ પછી સરકારે પોતાનો નોટબંધીનો ઉદ્દેશ બદલી તેને ડિજીટલ વ્યવહારને પ્રોત્સાહન આપવાનો કરી નાખ્યો હતો. અત્રે એ નોંધવુ જોઈએ કે દેશમાં અત્યારે પ્રજાના હાથ ઉપરની રોકડનું પ્રમાણ ૨૧.૩૦ લાખ કરોડ રૂપિયા જેટલુ થઈ ગયુ છે જે નોટબંધીની જાહેરાત કરતા પણ વધારે છે.

એ પણ નોંધવુ જોઈએ કે નોટબંધી પછી તરત જ ઈન્કમટેક્ષ છુપાવ્યો હોય તેવા લોકો માટે 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' નામની એમનેસ્ટી સ્કીમ જાહેર કરવામાં આવી હતી. આ યોજના હેઠળ માત્ર ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની છુપાયેલી આવક બહાર આવી હતી અને તેમાં મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદમાં એવા કિસ્સા બહાર આવ્યા હતા કે જેની આવક વર્ષે રૂપિયા લાખ પણ નહોતી એવી વ્યકિતઓએ હજારો કરોડ રૂપિયાની છૂપી આવક જાહેર કરી હતી.

ડિજીટલ કેસના નામે નાણા મંત્રાલયે ઓપરેશન કલીન મની નામે એક યોજના જાહેર કરી હતી. સ્વચ્છ ધન અભિયાનની આ યોજનામાં સરકારે મે ૨૦૧૭ પછી કોઈ પણ અપડેટ આપી નથી. માત્ર ૫૦૩ નાગરિકો આ યોજનામાં સ્વયંસેવક તરીકે જોડાયા છે અને પછી તેનું શું થયુ ? તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

જોકે, હજુ એ નક્કી નથી કે ટેકસનો રેટ શું રહેશે ? સૂત્રોએ સંકેત આપ્યો છે કે ટેકસ ૩૦ ટકા રહી શકે છે. જે સેસ સાથે ૩૩્રુ રહેશે. એક જાણકારી અનુસાર સોનાના રુપમાં લાખો કરોડ રુપિયાનું કાળુનાણું રહેલું છે. જેને સરકાર સિસ્ટમથી બહાર લાવવા માગે છે. નોટબંધી પછી સરકારે વડાપ્રધાને ગરીબ કલ્યાણ યોજના (PMGKY) લોન્ચ કરી હતી. જેને ત્ઝ્રલ્ નામથી પણ ઓળખવામાં આવે છે. જોકે, તેની સફળતા સીમિત હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે જે કસર બાકી રહી હતી તેને ગોલ્ડ એમ્નેસ્ટી સ્કીમથી પૂરી કરી શકાય છે.

નિશ્ચિત સમય માટે રહેશે સ્કીમ

ઈન્કમ ટેકસ એમ્નેસ્ટી સ્કીમની જેમ જ ગોલ્ડ એમ્નેસ્ટી સ્કીમ પણ નિશ્યિત સમય માટે જ હશે. જેને વ્યાપક સુવર્ણ નીતિ તરીકે જોવામાં આવે છે. જેના પર નીતિ આયોગની સલાહ પર બે વર્ષ પહેલા કામ શરુ થયું હતું.

દેશમાં કેટલું સોનું?

એક અનુમાન અનુસાર, ભારતીયો પાસે રહેલા સોનાનો સ્ટોક આશરે ૨૦ હજાર ટન છે. જોકે, ખોટી રીતે આયાત કરવામાં આવેલા સોનાને જો ભેળવી દેવામાં આવે તો તેની માત્રા ૨૫દ્મક ૩૦ હજાર ટન હોય શકે છે. હાલના દર અનુસાર આ સોનાની કિંમત ક્રમશઃ ૧દ્મક ૧.૫ ટ્રિલિયન ડોલર રહેશે.

આ છે પડકાર

નામ ગુપ્ત રાખવાની શરત પર એક વિશ્લેષકે જણાવ્યું કે, આ  વિચાર સારો છે, જોકે, પ્રભાવી રીતે લાગુ કરવો મુશ્કેલ છે. લોકોએ લાંબા સમયથી સોનાને પોતાની પાસે રાખ્યું છે અને કેટલાક પ્રસંગોપાત વિરાસતમાં પણ મળે છે. જેમાં કોઈ લેવડદેવડ નથી હોતી અને તેનું બિલ મળવું પણ મુશ્કેલ હોય છે. સોનાની દ્યોષણા માટે લોકો પર દબાણ આપવું મુશ્કેલ છે. તેમણે એ પણ ઉમેર્યું કે, આ  ઉપરાંત એક ડર એવો પણ છે કે લોકોને ટેકસ અધિકારીઓનું શોષણ પણ સંભાળવું પડશે ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ ગોલ્ડ એમ્નેસ્ટી સ્કીમ અંગે એક નવા મોડલનો વિચાર વ્યકત કર્યો છે. જેથી આ સ્કીમ સફળ થઈ શકે. આ સૂચનમાં એવું કહેવાયું છે કે જાહેર કરાયેલા ગોલ્ડના બદલે સરકાર દસ વર્ષ માટે ઝીરો કૂપન બોન્ડ પણ જાહેર કરી શકે છે.

(11:53 am IST)