Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સરકારને ઘેરવા કોંગ્રેસે તખ્તો ગોઠવ્યો: શહેરોમાં 35 પ્રેસ કોન્ફરન્સ કરીને આર્થિક મંદી ,ખેડૂતોની સ્થિતિ અને રોજગારીનો મુદ્દો ઉઠાવશે

કોણ-ક્યાં પત્રકાર પરિષદ સંબોધશે? તે માટે વિસ્તૃત કાર્યક્રમ તૈયાર: 5મીથી દેશવ્યાપી પ્રદર્શન કરશે

નવી દિલ્હી : મોદી સરકારને ઘેરવા કોંગ્રેસ મેદાને ઉતરી છે કોંગ્રેસે પહેલી નવેમ્બરથી લઈને 8 નવેમ્બર સુધી 35 પ્રેસ કોન્ફરન્સ કરવા ખાસ યોજના બનાવી છે. આ પત્રકાર પરિષદ દરેક રાજ્યની રાજધાની અને મોટા શહેરોમાં યોજાશે. આ અંગે પાર્ટી સુત્રોએ જણાવ્યું કે, આ પત્રકાર પરિષદમાં આર્થિક મંદી, ખેડૂતોની સ્થિતિ અને યુવાઓના રોજગાર જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

આ પત્રકાર પરિષદ યોજાવાના સ્થળોની યાદીમાં નાગપુર અને ઈન્દોર પણ સામેલ છે. કોણ-ક્યાં પત્રકાર પરિષદ સંબોધશે? તે માટે વિસ્તૃત કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આર્થિક મંદી, બેરોજગારી, સરકારી કંપનીઓના ખાનગીકરણ અને ખેડૂતોની સમસ્યાઓને લઈને 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી દેશવ્યાપી પ્રદર્શનનું આયોજન કરી રહી છે.

આ આયોજનોની તૈયારીને અંતિમ ઓપ આપવા માટે પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીએ 2 નવેમ્બરે બેઠક પણ બોલાવી છે.

(8:50 am IST)