Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ખાંડ મોંઘી થશે : ઉત્પાદનમાં જંગી કાપનું અનુમાન

નવી દિલ્હી તા. ૩૧ : હવે ખાંડ મોંઘી થઇ શકે છે.  દેશમાં ખાંડની મિલોના સંગઠન ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશન (આઇએસએમએ)એ ૨૦૧૮-૧૯ના ચાલુ વર્ષ માટે ખાંડના ઉત્પાદન અનુમાનમાં ૪૦ લાખ ટનનો કાપ મૂકયો છે. આઇએસએમએ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ ૨૦૧૮-૧૯ની સિઝન દરમિયાન દેશમાં ૩૧૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનું અનુમાન છે.

આ અગાઉ જુલાઇમાં એસોસિયેશને જયારે અનુમાન જારી કર્યું હતું ત્યારે ૩૫૦-૩૫૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની શકયતા જાહેર કરી હતી. ગઇ સાલ ૨૦૧૭-૧૮માં દેશમાં ૩૨૨.૫૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. આઇએસએમએએ જણાવ્યું છે કે ખાંડના સૌથી મોટા ઉત્પાદક રાજય ઉત્તરપ્રદેશમાં આ વર્ષે ૧૨૧ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનું અનુમાન છે. ગત સિઝન દરમિયાન ઉત્તરપ્રદેશમાં ૧૨૦.૪૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.

આઇએસએમએના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં આ વર્ષે ૧૧૦થી ૧૧૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની સંભાવના છે. ગઇ સાલ ત્યાં ૧૦૭ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. કર્ણાટકમાં પણ ઉત્પાદન અનુમાનને જુલાઇના ૪૪.૮ લાખ ટનથી ઘટાડીને ૪૨ લાખ ટન કર્યું છે.(૨૧.૮)

(2:32 pm IST)