Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કર્યા પછી કામ કરવાના અધિકાર ઉપરની તરાપ વચ્ચે અન્ય વિકસિત દેશોમાં લાલ જાજમઃ કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની સહિતના દેશોમાં પોસ્ટ સ્ટડી વર્ક પરમીટની જોગવાઇ

ન્યુ દિલ્હીઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસન પછી આવી રહેલી નવી વીઝા પોલીસી તથા ઇમીગ્રન્ટસના કામ કરવાના અધિકાર ઉપર તરાપ સહિતની બાબતોને કારણે એન્જીનીયરીંગ ડીગ્રીના ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદેશી વિદ્યાર્થીઓ માટે દ્વિધા ઊભી થઇ છે. જે મુજબ લાખો રૃપિયાનો ખર્ચ કરી ઉચ્ચ અભ્યાસની ડીગ્રી મેળવ્યા પછી અમેરિકામાં કામનો અધિકાર મળવા અંગે સવાલો ઊભા થઇ રહ્યા છે. આ સંજોગોમાં અન્ય વિકસિત અથવા વિકસતા દેશોમાં આવા ઉચ્ચ અભ્યાસ પછી કામ કરવાનો અધિકાર તથા નાગરિકત્વ પણ મળી શકવાની શકયતાને લઇને વિદેશી વિદ્યાર્થીઓનો ઝોક અમેરિકા સિવાયના અન્ય દેશો તરફ વળે તે સ્વાભાવિક છે.

અભ્યાસ પૂર્ણ થયા પછી કામ કરવાનો તથા રહેવાનો અધિકાર આપતા અન્ય દેશોમાં કેનેડા હોટ ફેવરીટ ગણાય છે. જે અમેરિકા પછીનું બીજુ સ્થાન ધરાવે છે. જયાં એન્જીનીઅરીંગ આઇ.ટી.સહિતના અભ્યાસ માટેની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ પણ છે. જયાંની ડીગ્રી મેળવ્યા પછી દેશના નિયમો મુજબ નક્કી કરેલી સમય મર્યાદા માટે કામ કરવાનો અધિકાર મળે છે.

જર્મની પણ મિકેનિકલ, ઓટોમોબાઇલ, તથા કેમિકલ એન્જીનીયરીંગના અભ્યાસ માટે સુવિખ્યાત દેશ છે. જયાંની પબ્લીક યુનિવર્સિટીઓમાં વિનાખર્ચે અથવા તો મામૂલી ખર્ચે ઉચ્ચ અભ્યાસની સુવિધા છે. જયાં ગ્રેજ્યુએટની ડીગ્રી મેળવ્યા પછી ૧૮ માસ માટે કામ કરવાનો અધિકાર મળે છે.

ઓસ્ટ્રેલિયા પણ સાયન્સ, ટેકનોલોજી, એન્જીનીઅરીંગ તથા મેથેમેટીકસ (STEM) અભ્યાસક્રમ માટે શ્રેષ્ઠ કક્ષાની યુનિવર્સિટીઓ ધરાવતો દેશ છે. અલબત્ત ત્યાં શિક્ષણ મોંઘુ છે. પરંતુ તેની સામે અભ્યાસ સાથે પાર્ટ ટાઇમ કામ કરવાનો પણ અધિકાર મળે છે. તથા ઓછામાં ઓછા ૨ વર્ષ માટે અભ્યાસ કરનાર સ્ટુડન્ટસને પોસ્ટ સ્ટડી વીઝા મળે છે. જે દેશની નક્કી કરેલી સમય મર્યાદા માટે આપવામાં તથા લંબાવી આપવામાં આવે છે.

યુ.કે.પણ શિક્ષણ માટે શ્રેષ્ઠ દેશ ગણાય છે. પરંતુ ત્યાં પોસ્ટ સ્ટડી વીઝા સગવડ ન હોવાથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ક વીઝા મેળવવા પડે છે.

ટચૂકડો એવો દેશ ન્યુઝીલેન્ડ પણ STEM અભ્યાસ માટે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ ધરાવે છે. જયાં પોસ્ટ સ્ટડી વીઝા માટેની સુધારા વધારા સાથેની ફાયદાકારક તેવી નવી વીઝા પોલીસી ૨૮ નવેં.૨૦૧૮થી આવી રહી છે. તેવું ઇન્ડિયન એકસપ્રેસમાં શ્રી સુમિત જૈનના આર્ટીકલ દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)