Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

આસામની બોક્સર લવલીનાએ પુરસ્કારમાંથી માની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી

મેડલ નિશ્ચિત કરનારી લવલીનાની દર્દભરી દાસ્તાન : કોરોના કાળમાં બોક્સરને કોરોના થયો એ પછી માતાની તબિયત ખરાબ થતાં તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી

નવી દિલ્હી, તા.૩૧ : ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ નિશ્ચિત કરનાર આસામની બોક્સર લવલીના પર ગયા વર્ષે દુખોનો પહાડ તુટી પડ્યો હતો. ગયા વર્ષે લોકડાઉન લાગ્યુ તે બાદ તે પોતે કોરોનાથી સંક્રમિત થઈ હતી અને ૧૦૪ ડિગ્રી તાવ વચ્ચે તેને દિલ્હી લાવવામાં આવી હતી. પછી તેની માતાની તબિયત ખરાબ થઈ હતી અને તેમની બંને કિડની ખરાબ થઈ હતી.

ડોકટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ બીજો વિકલ્પ નહીં હોવાનુ કહ્યા બાદ લવલીનાએ પોતે કિડની ડોનર શોધ્યો હતો અને પોતાને બોક્સિંગ સ્પર્ધામાં મળેલા પુરસ્કારની રકમમાંથી માતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. મીરાબાઈ ચાનુની જેમ લવલીનાને માતા માટે બહુ લગાવે છે.

એક હિન્દી અખબારને આપેલી મુલાકાતમાં લવલીનાના પિતાએ કહ્યુ હતુ કે, કિડની બદલવા માટે ૨૫  લાખનો ખર્ચ થવાનો હતો અને તે વખતે લવલીનાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મળેલા મેડલની સાથે જે રોકડ ઈનામ મળ્યુ હતુ તેમાંથી ખર્ચ કર્યો હતો. લવલીનાના પિતા કહે છે કે, મારે ત્રણ પુત્રીઓ છે અને પુત્ર નહીં હોવાનો કોઈ અફસોસ નથી, કારણકે મારી દીકરીઓ પુત્રની ફરજ પણ સારી રીતે અદા કરી રહી છે.

(7:24 pm IST)