Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મીડિયાને રોકવાની વિનંતીથી પ્રેસની સ્‍વાતંત્રતા ઉપર વિપરીત અસર પડશેઃ શિલ્‍પા શેટ્ટીએ કરેલ માનહાનિ કેસ સંદર્ભે બોમ્‍બે હાઇકોર્ટનું તારણ

20 સપ્‍ટેમ્‍બર સુધી સુનાવણી મુલત્‍વીઃ એફિડેવિટ ફાઇલ કરવા નિર્દેશ

નવી દિલ્હી: બોમ્બે હાઈકોર્ટે શુક્રવારના કહ્યું કે, શિલ્પા શેટ્ટીની સામે રિપોર્ટિંગ કેસથી મીડિયાને રોકવાનો આદેશ જાહેર કરવાથી પ્રેસની આઝાદી પર પ્રતિકૂળ અસર થશે. જો કે, જસ્ટિસ ગૌતમ પટેલે આદેશ કર્યો છે કે, ખાનગી યુટ્યુબ ચેનલો પર અપલોડ કરવામાં આવેલા 3 વીડિયો હટાવી દેવામાં આવે અને તેને ફરી અપલોડ કરવામાં આવે નહીં કેમ કે, તે દુર્ભાવનાપૂર્ણ છે.

સંતુલિત કરવો પડશે ગોપનીયતાનો અધિકાર

કોર્ટે કહ્યું કે, પ્રેસની આઝાદીને વ્યક્તિની ગોપનીયતાના અધિકાર સાથે સંતુલિત રાખવી પડશે. તમને જણાવી દઇએ કે, બોમ્બે કોર્ટે આજે શિલ્પા શેટ્ટી કુન્દ્રા દ્વારા કેટલાક મીડિયા હાઉસ સામે કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુનાવણી કરી હતી. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર અશ્લિલ ફિલ્મ બનાવવા અને તેને એક એપ્લિકેશન દ્વારા સ્ટ્રિમ કરવા જેવા તમામ ગંભીર આરોપ લાગ્યા છે.

શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ પોતાની અરજીમાં શું કહ્યું?

કોર્ટ દ્વારા જે વીડિયો હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે તેમાં એક્ટ્રેસની નૈતિકતા પર કોમેન્ટ કરવામાં આવી હતી અને એક પેરેન્ટ તરીકે તેમની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. શિલ્પા શેટ્ટીએ એક વચગાળાની અરજી દ્વારા મીડિયાને કોઈપણ ખોટી, દુર્ભાવનાપૂર્ણ અને માનહાનીવાળી સામગ્રીને પબ્લિશ કરવાથી રોકવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

કોર્ટે કહ્યું - પ્રેસની સ્વતંત્રતા પર થશે અસર

જો કે, જસ્ટિસ પટેલે કહ્યું કે મીડિયાને રોકવાની વિનંતીની પ્રેસની સ્વતંત્રતા પર વિપરીત અસર પડશે. કોર્ટે કહ્યું, 'સારી કે ખરાબ પત્રકારત્વ શું છે, તેની ન્યાયિક મર્યાદા છે. કારણ કે તે અખબારી સ્વાતંત્ર્ય સાથે ખૂબ જ નજીકથી સંબંધિત વિષય છે.

માત્ર સારું લખી શકતા નથી

કોર્ટે આ વાતનો ઉલ્લેખ કર્યો કે શિલ્પાએ તેમના કેસમાં જે આર્ટિકલ્સનો ઉલ્લેખ કર્યો છે કે તે માનહાનિકારક નથી. જસ્ટિસ પટેલે કહ્યું કે, અહીં એવું ન થઈ શકે કે, જો તમે મારા વિશે કંઇક સારૂં લખી કે બોલી નથી શકતા તો કશું જ ન બોલો?

કેમ નથી બનતો માનહાનિનો કેસ?

કોર્ટે કહ્યું કે આ કેસમાં ઉલ્લેખિત મોટાભાગના આર્ટિકલ્સ પોલીસ સૂત્રો પર આધારિત છે. જસ્ટિસ પટેલે કહ્યું કે, 'પોલીસ સૂત્રોના આધારે લખવામાં આવેલો રિપોર્ટ માનહાનિકારક નથી. જો તે તમારા ઘરના રૂમની અંદર બન્યું હોત જ્યાં કોઈ આસપાસ ન હોત તો આ મુદ્દો અલગ હોત. પરંતુ તે બહારના લોકોની હાજરીમાં થયું. તો પછી આ માનહાનિ કેવી રીતે થઈ શકે? '

શિલ્પાએ કર્યો હતો 25 કરોડનો કેસ

શિલ્પા શેટ્ટી કુન્દ્રાની અરજી દ્વારા 25 કરોડ રૂપિયાના વળતરની માંગ કરતા કહેવામાં આવ્યું છે કે, કેટલાક મીડિયા પબ્લિકેશન્સ અને ગુગલ, ફેસબુક અને યૂટ્યૂબ જેવી સોશિયલ મીડિયા સાઈટોએ તેમને નુકાસાન પહોંચાડ્યું છે જેની કોઈ ભરપાઈ કરી શકતું નથી. આ સાથે જ તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે. શિલ્પાએ કોર્ટથી આ સોશિયલ મીડિયા સાઈટ્સને તેના અને તેના પરિવાર વિશેની તમામ માનહાનિકારક સામગ્રી હટાવવાનો આદેશ કરવા અનુરોધ કર્યો હતો.

20 સપ્ટેમ્બર સુધી મુલતવી આગામી સુનાવણી

આ અંગે કોર્ટે કહ્યું કે, 'Google, YouTube અને Facebook જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના એડિટેડ કન્ટેન્ટ પર કંટ્રોલ કરવાની માગણી કરતી તમારી વિનંતી જોખમી છે.' જો કે, હાઇકોર્ટે આ કેસના તમામ ઉત્તરદાતાઓને તેમના એફિડેવિટ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો હતો અને આ મામલાની વધુ સુનાવણી 20 સપ્ટેમ્બરે નક્કી કરી હતી.

(5:04 pm IST)