Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

દેખાવો દરમ્યાન તોડફોડના કેસમાં બીજેપી સાંસદ રીતા બહુગુણા જોશી-રાજબબ્બર સહિત ૯ સામે આરોપો ઘડયા

એમપીએમએલએ કોર્ટે ગુનાહિત કેસમાં આરોપો ઘડયા

લખનૌઃ એમપી એમએલએ કોર્ટમાં ભાજપાના સાંસદ રીતા બહુગુણા જોષી અને કોંગ્રેસી નેતા રાજ બબ્બર સહિત ૯ આરોપીઓ સામે ધરણાં પ્રદર્શન દરમ્યાન તોડફોડ અને પોલીસ દળ પર હુમલો કરવાના ગુનાહિત કેસમાં આરોપો ઘડી લેવાયા છે. આ સાથે જ આરોપી નિર્મલ ખત્રી અને મધુસૂદન મિસ્ત્રી સહિત છ આરોપીઓની ગેરહાજરીમાં તેમની પ્રશ્નાવલી અલગ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે.

તો આ કેસમાં વધુ ત્રણ આરોપી શારિકઅલી, પપ્પુખાન અને રાજકુમાર લોધીને ફરાર જાહેર કરીને તેમની સામે ધરપકડનું વોરંટ સાથે કુર્કીની કાર્યવાહી કરતા પહેલા બધા આરોપીઓને નોટીસ આપવાનો આદેશ કોર્ટે આપ્યો છે.

એમપી એમએલએ કોર્ટના વિશેષ ન્યાયાધીશ પવનકુમાર રાયની ખાસ કોર્ટ સમક્ષ શુક્રવારે રીતા બહુગુણા જોષી, રાજ બબ્બર, પ્રહલાદ પ્રસાદ દ્વિવેદી, બોધલાલ શુકલ, રાજેશ પતિ ત્રિપાઠી, ઓંકારનાથસિંહ, મનોજ તિવારી, રમેશ મિશ્રા અને શૈલેન્દ્ર તિવારી હાજર થયા હતા. આ બધા આરોપીઓ સામે કોર્ટ આઇપીસીની કલમો ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૩૨, ૩૩૩, ૩૩૬, ૩૩૭, ૩૩૮, ૩૪૧, ૩૪૩, ૩૫૨ અને ૩૦૭ સાથે જ ક્રિમીનલ લો એમેન્ડરમેંટ એકટની કલમ ૭ હેઠળ આરોપ ઘડયા છે.કોર્ટે આ કેસમાં આરોપીઓને પોતાની સાબિતીઓ ૨૦ ઓગષ્ટે રજૂ કરવા કહયું છે અત્રે ઉલ્લેખનિય છે કે રાજય સરકાર દ્વારા આ કેસ જનહિતમાં પાછો ખેંચવા માટેની અરજી સ્પેશ્યલ કોર્ટમાં અપાઇ હતી પણ ૨૦ ફેબ્રુઆરીએ એમપી એમએલ એ કોર્ટે રાજય સરકારની એ અરજી ફગાવી દીધી હતી.

(2:43 pm IST)