Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

દિલ્હીના રીક્ષા ડ્રાયવર યુનિયન " ચાલક શક્તિ ' એ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : રીક્ષા ચાલકો માટે ફરજીયાત યુનિફોર્મ પહેરવાનો આદેશ અસ્પષ્ટ અને બંધારણ વિરુદ્ધ હોવાની રાવ

યુનીફોર્મના કલર અંગે પુરી સ્પષ્ટતા કર્યા વિના 20 હજાર રૂપિયા દંડ વસૂલાય રહ્યો છે : નામદાર કોર્ટે કેન્દ્ર તથા રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : રીક્ષા ડ્રાયવર યુનિયન " ચાલક શક્તિ ' એ દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જે અંતર્ગત દાખલ કરાયેલી પીટીશનામાંરીક્ષા ચાલકો માટે  ફરજીયાત યુનિફોર્મ પહેરવાનો આદેશ અસ્પષ્ટ અને બંધારણ વિરુદ્ધ  હોવાની રાવ કરી છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે કેન્દ્ર તથા રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો છે.

યુનિયનના એડવોકેટ પારસ જૈને કોર્ટમાં કરેલી દલીલ મુજબ યુનિફૉર્મના ચોક્કસ કલર અંગે સ્પષ્ટતા કરાઈ નથી .તેથી ખાખી કલરનો કે ગ્રે કલરનો યુનિફોર્મ પહેરવા અંગે અવઢવ છે. ઉપરાંત આ બંને કલરમાં પણ જુદા જુદા શેડ આવતા હોવાથી અનિશ્ચિતતા રહે છે. આ સંજોગોમાં સરકાર દ્વારા 20 હજાર રૂપિયા સુધીનો દંડ વસુલાઇ રહ્યો છે.

ઉપરાંત  એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે  યુનિફોર્મના આધારે ડ્રાઈવરોને લેબલિંગ કરવું એ ભારતના બંધારણની કલમ 14,19 (1) (g) અને 21 હેઠળ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

આથી ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંઘની ડિવિઝન બેંચે દિલ્હી સરકાર, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનો ખુલાસો માંગ્યો છે. તથા  હાલની તકે આ નિયમમાંથી મુક્તિ આપી છે. કેસની આગામી મુદત 20 ઓગસ્ટના રોજ રાખવામાં આવી છે. તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે.

(12:20 pm IST)