Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

આવકવેરા વિભાગ દ્વારા 'પાન મસાલા' જૂથ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો પકડાયા

જૂથના કાનપુર, દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ અને કોલકાતા ખાતેના ૩૧ સંકુલમાં સર્ચની કામગીરી: દરોડામાં ૧૧૫ શેલ કંપનીઓનું નેટવર્ક પકડાયું

નવી દિલ્હી :  આવકવેરા વિભાગે ઉત્તર ભારતના એક 'પાન મસાલા' જૂથ પર દરોડા પાડી ~૪૦૦ કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો પકડી પાડ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ  જણાવ્યું હતું કે, જૂથના કાનપુર, દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ અને કોલકાતા ખાતેના ૩૧ સંકુલમાં સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂથ રિયલ એસ્ટેટ બિઝનેસમાં પણ સક્રિય છે.

 સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'પ્રારંભિક આંકડા મુજબ ~૪૦૦ કરોડથી વધુના બિનહિસાબી ટ્રાન્ઝેક્શન્સ પકડ્યા હતા.' ઉલ્લેખનીય છે કે, CBDT આવકવેરા વિભાગની પોલિસી નિર્ધારિત કરે છે. સીબીડીટીએ દાવો કર્યો હતો કે, 'જૂથ પાનમસાલા અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં બિનહિસાબી વ્યવહારો દ્વારા જંગી કમાણી કરતું હતું. હિસાબ વગરની આ આવક શેલ કંપનીઓની વ્યાપક ચેનલ દ્વારા સિસ્ટમમાં લાવવામાં આવતી હતી.'

આવકવેરા વિભાગને દરોડામાં ~૫૨ લાખ રોકડ અને ૭ કિગ્રા સોનું પણ મળ્યું હતું. આવકવેરા વિભાગના નિવેદનમાં જણાવ્યા અનુસાર 'આ પગલાને કારણે માત્ર કાગળ પર બનેલી કંપનીઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ કંપનીઓમાં આશ્ચર્યજનક રીતે માત્ર ત્રણ વર્ષમાં ~૨૨૬ કરોડનું ધિરાણ લેવામાં આવ્યું હતું. દરોડામાં ૧૧૫ શેલ કંપનીઓનું નેટવર્ક પકડાયું છે.'

સીબીડીટીના જણાવ્યા અનુસાર દરોડામાં શેલ કંપનીઓના ૨૪ બોગસ બેન્ક એકાઉન્ટ પકડાયા છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર 'જૂથે બાયોડિગ્રેડેબલ વેસ્ટ ટ્રીટમેન્ટ માટે આવકવેરા કાયદા હેઠળ ક્લેમ કરાયેલી કપાતની વિસ્તૃત ચકાસણી કરવામાં આવી રહી છે. કોલકાતા સ્થિત કેટલી શેલ કંપનીઓ દ્વારા ખાતરનું બોગસ ખરીદ-વેચાણ દર્શાવાયું છે. આવકવેરા વિભાગે આરોપ મૂક્યો હતો કે, 'શેલ કંપનીઓ દ્વારા મળેલી બેહિસાબી લોન અને પ્રીમિયમની રકમ ત્રણ વર્ષમાં ~૧૧૦ કરોડથી પણ વધુ છે. જૂથ તેમનું બિનહિસાબી નાણું શેલ કંપનીઓ દ્વારા પ્રોપર્ટીના વેચાણ સામેની બોગસ લોન દર્શાવી પરત લાવ્યું હતું.'

(12:03 pm IST)