Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

GST નંબર લીધાના ૪૫ દિવસમાં બેંક વિગત નહીં અપાય તો નંબર રદ થશે

પહેલા ૪૫ દિવસ બાદ પણ બેંકની વિગતો અપડેટ કરાવી શકાતી હતી

નવી દિલ્હી,તા. ૩૧ : જીએસટીમાં નવો નંબર લીધા બાદ અનેક કરદાતાઓ દ્વારા સમયસર બેંકની વિગતો પોર્ટલ પર ઓનલાઇન આપવામાં આવતી નથી. જેથી ૪૫ દિવસોની અંદર બેંકની વિગતો આપવામાં નહીં આવે તો નંબર રદ કરવા સુધીની કાર્યવાહી થવાની શકયતા રહેલી છે.

જીએસટી નંબર લેતી વખતે આધારકાર્ડ અને પાનકાર્ડની સાથે સાથે બેંકની વિગતો પણ આપવી પડતી હોય છે. પરંતુ કેટલીક વખત બેંકની વિગત પાછળથી આપીશુ તેવી વાત કરીને જીએસટીનો નવો નંબર લઇ લેવામાં આવતો હોય છે. ત્યારબાદ ૪૫ દિવસની અંદર બેંકની વિગતો આપવાની હોય છે. અત્યાર સુધી ૪૫ દિવસ બાદ પણ બેંકની વિગતો ઓનલાઇન અપડેટ કરવાની સુવિધા પુરી પાડવામાં આવતી હતી. પરંતુ હવેથી જીએસટી પોર્ટલ પર ૪૫ દિવસમાં જે પણ કરદાતાએ નવો નંબર લીધો હોય અને વિગતો અપડેટ નહીં કરી તો ઓનલાઇન એલર્ટ જ જોવા  મળશે. ત્યારબાદ તેઓને નોટીસ પણ આપવામાં આવશે. નોટીસમાં જણાવવામાં આવશે કે ૪૫ દિવસના સમયગાળામાં બેંકની વિગતો અપડેટ કરવાની રહેશે. તેમ છતાં પણ વિગતો અપડેટ નહીં કરનારનો જીએસટી નંબર જ રદ કરી દેવા સુધીના પગલા જીએસટી વિભાગ દ્વારા ભરવામા આવે તેવી શકયતા રહેલી છે.

(10:13 am IST)