Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

' કન્ટેમ્પટ ઓફ કોર્ટ ' : કોર્ટનો અનાદર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ,તથા હોમ મિનિસ્ટર અમિત શાહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન : દિલ્હી પોલીસ કમિશનર તરીકે રાકેશ અસ્થાનાની નિમણુંક કોર્ટના અગાઉના જજમેન્ટની વિરુદ્ધ હોવાની એડવોકેટ એમ.એલ.શર્માની દલીલ

ન્યુદિલ્હી : એડવોકેટ એમ.એલ.શર્માએ સુપ્રીમ કોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ,તથા હોમ મિનિસ્ટર અમિત શાહ વિરુદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટ એટલે કે કોર્ટનો અનાદર કરવા બદલ પિટિશન દાખલ કરી છે .

પિટિશનમાં એડવોકેટ શર્માએ સુપ્રીમ કોર્ટના પ્રકાશ સિંઘના ચુકાદાને  ટાંક્યો હતો. જે ચુકાદા મુજબ ડીજીપી તરીકેની નિમણૂક માટે નિવૃત્તિ પહેલા ઓછામાં ઓછી ત્રણ મહિનાની સેવા બાકી હોવી  જોઈએ..જયારે રાકેશ અસ્થાનાની નિવૃત્તિ આડે માત્ર ચાર દિવસ જ બાકી હતા.તેમ છતાં તેમને નિમણુંક આપી દેવામાં આવી છે.જે માટે કેબિનેટ એપોઇન્ટમેન્ટ કમિટીના ઉપરી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાકેશ અસ્થાનાની નિમણુંક કરવા બદલ હોમ મિનિસ્ટર અમિત શાહ વિરુદ્ધ જાણી જોઈને કોર્ટના નિયમોનો ભંગ કરવા સબબ પગલાં લેવા જોઈએ.

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ બંધારણ ટકશે કે સરકારી કર્મચારીઓની સરમુખત્યારશાહી ચાલશે તેવો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.

ગુજરાત કેડરના 1984ની બેચના ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારી અસ્થાના, દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિમણૂક થયા પહેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

ત્યાર પહેલા અસ્થાના સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા, ત્યારે તેમના  અને સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા વચ્ચેના ઝઘડાને કારણે  લાઈમલાઈટમાં આવ્યા હતા, આ ઝઘડાને કારણે સીબીઆઈમાંથી વર્મા અને અસ્થાના બંનેને હટાવવા સુધી મામલો પહોંચ્યો હતો. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)