Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

રાજસ્થાનમાં ભાજપના નેતા કૈલાશ મેઘવાલ પર ખેડૂતોનો હુમલો : કપડાં ફાડી નાખ્યા : પોલીસે છોડાવ્યા

શ્રીગંગાનગરમાં ખેડૂતોના પ્રદર્શનને જોતા ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

જયપુર :  રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રાજ્ય સરકાર વિરૂદ્ધ થઇ રહેલા ભાજપના જિલ્લા સ્તરીય પ્રદર્શનમાં સામેલ થવા આવેલા હનુમાનગઢના ભાજપના કાર્યકર્તા અને SC મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ કૈલાશ મેઘવાલના ખેડૂતોએ મહારાજા ગંગાસિંહ ચોક પર કપડા ફાડ્યા હતા. અચાનક ભાજપ કાર્યકર્તાના કપડા ફાડવામાં આવતા અફરા તફરીનો માહોલ થઇ ગયો હતો. પોલીસે કૈલાશ મેઘવાલને ખેડૂતો પાસેથી છોડાવ્યા હતા. આ ટકરાવના માહોલ વચ્ચે ભાજપના ધરણા તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો.

પોલીસના બળ પ્રયોગથી કેટલાક ખેડૂત કાર્યકર્તાઓને ઇજા થઇ હતી. શ્રીગંગાનગરમાં ખેડૂતોના પ્રદર્શનને જોતા ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  ભાજપ દ્વારા રાજ્ય સરકાર વિરૂદ્ધ જનહિતના મુદ્દાને લઇને સેન્ટ્રલ જેલ સામે ધરણા આપવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ખેડૂત મોરચાના આહવાન પર ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદા વિરૂદ્ધ ભાજપના વિરોધ માટે ખેડૂતોએ મહારાજા ગંગા સિંહ ચોક પર ધરણા કર્યા હતા. એક અઠવાડિયામાં બીજી વખત છે જ્યારે ખેડૂત પ્રદર્શનકારીઓએ ભાજપના નેતા પર હુમલો કર્યો હોય અને કપડા ફાડ્યા હોય. મહત્વપૂર્ણ છે કે પાંચ દિવસ પહેલા જયપુર-દિલ્હી હાઇવે પર શહાંજાપુરમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભાજપના નેતા પ્રેમ સિંહ બાજૌર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ખેડૂતોએ તેમના કપડા ફાડી નાખ્યા હતા, જેના વિરોધમાં ભાજપે પ્રદર્શન પણ કર્યુ હતું.

(12:00 am IST)