Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્ટ્રીમવુડ, શિકાગો મંદિરનો આઠમો પાટોત્સવ ભારે દબદબાપૂર્વક ઉજવાયો

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજ પધારતા ભવ્ય સ્વાગત કરાયું : ત્રિદિવસિય મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાયા : શ્રી સ્વામીનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની પારાયણો યોજાઇ

મણીનગર :  શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી તથા જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રી શતામૃત મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્ટ્રીમવુડ,  શિકાગોને આઠમો પાટોત્સવ ભારે ઉલ્લાસ પૂર્વક હજારો હરિભકતોની ઉપસ્થિતિમાં ઉજવાયો.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજ શિકાગો ખાતે પધારતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્રિદિવસીય યોજાયેલ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રી જીવનપ્રાણશ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણ બાળકો દ્વારા કિર્તન ભકિત, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આ મહોત્સવ પ્રસંગે આશિર્વાદમાં જણાવ્યું હતું.  શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને આપેલ આચાર સંહિતારૂપ શિક્ષાપત્રી પ્રમાણે વર્તન કરવા હાકલ કરી હતી, તેમજ શ્રી મુખવાણી વચનામૃતમાં જણાવ્યાનુસાર ભગવાનનાં સ્વરૂપની અખંડવૃત્તિ રાખવી તે કઠણ સાધન છે. શ્રેષ્ઠ સુખ તો ભગવાનની મૂર્તિનું સુખ છે. અંતરમાં શુધ્ધ વિચારની સરવાણી વહેવી જોઇએ. ભગવાને જે સદ્ગુણ આપ્યા છે. તેમાં વૃધ્ધિ થવી જોઇએ. સત્સંગે કરીને મનુષ્યમાં સંસ્કારનું સિંચન થાય છે. માટે સંસ્કાર, ધર્મ ભકિતથી મનુષ્ય, જીવનમાં ઉંચા શિખર સર કરી શકે છે.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજ સાથે વરિષ્ઠ સંતમંડળ સદ્ગુરૂ સ્વસિધ્ધચરણદાસજી સ્વામી, જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી, મુનિભુષણદાસજી વિગેરે સંતમંડળ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ, શિકાગોના હરિભકતો તથા સર્વશ્રી ઇશ્વરભાઇ પટેલ, બી.ડી. પટેલ, હરિભાઇ પટેલ, આર.ડી. પટેલ, મોયદ મંડળ વિગેરે એ જહેમત ઉઠાવી હતી. તેવું ઇશ્વરભાઇ પટેલની એક યાદીમાં જણાવાયું છે.

(2:17 pm IST)