Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

વોટ્સએપનું ગ્રુપ કોલિંગ ફિચર થયું લોન્ચ : આજથી યુઝર્સ ઉપયોગ કરી શકશે

સંપૂર્ણ રીતે ઇનક્રિએટેડ હશે ગ્રુપ કોલિંગ : આ ફિચર વોઇસ - વિડીયો બંને પર કરશે કામ

નવી દિલ્હી તા. ૩૧ : લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપમાં અગાઉ ઓડિયો કોલિંગની શરૂઆત થઇ તે પછી વિડિયો કોલિંગ આવ્યું અને હવે ગ્રુપ વિડિયો કોલિંગની શરૂઆત થઇ ચુકી છે. ડેવલપર્સ કોન્ફરન્સ F8માં કંપનીએ તેની ઘોષણા કરી હતી. ગ્રુપ કોલિંગ વિડિયો માટે જ નહી પરંતુ ઓડિયો માટે પણ છે.

વોટ્સએપે જણાવ્યા અનુસાર વિડિયો કોલિંગનું આ ફિચર લાઇવ કરી દેવામાં આવ્યું છે. જેથી દુનિયાભરમાં આઇઓએસ અને એન્ડ્રોઇડ યુઝર્સને આ ફિચરનો લાભ મળશે. વોટ્સએપ ગ્રુપ કોલિંગમાં ચાર યુઝર્સ એક સાથે વિડિયો ચેટ કરી શકશે.

ગ્રુપ વિડિયો કોલિંગ નવુ નથી. અનેક એપ્સ આ સુવિધા આપે છે પરંતુ વોટ્સએપનું કહેવું છે કે આ ફિચર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી હાઇ સ્પીડ ડેટાની જરૂરિયાત નહી રહે. કંપનીએ જણાવ્યું કે આ વિડિયો કોલ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે જેવા વોટ્સએપના મેસેજ હોય છે.

વોટ્સએપ ગ્રુપ વિડિયો કોલિંગની શરૂઆત કરવા માટે યુઝરે સૌપ્રથમ એક કોલ કરવાનો રહેશે તે પછી તમે બે લોકોને એડ કરી શકો છો. આ ફિચર બાદ અન્ય વિડિયો કોલિંગ પ્લેટફોર્મ જેવા કે સ્કાઇપને ટક્કર મળશે. વોટ્સએપનો યુઝરબેઝ સૌથી મોટો છે અને દુનિયાભરમાં તેના ૧.૫ બિલિયન મંથલી એકિટવ યુઝર્સ છે.ઉલ્લેખનીય છે કે ફેસબુકની જ કંપની ઇન્સ્ટાગ્રામે વિડિયો કોલિંગનું ફિચર તાજેતરમાં જ આપ્યું છે. ફેસબુકના તમામ પ્લેટફોર્મ પર હવે વિડિયો કોલિંગની શરૂઆત થઇ ગઇ છે. જો તમારા વોટ્સએપમાં આ ફિચર ન આવ્યું હોય તો તમે એપ સ્ટોર અથવા પ્લે સ્ટોરમાં એપ અપડેટ કરીને આ ફિચરનો યુઝ કરી શકો છો.

(3:55 pm IST)