Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

બાબા રામદેવ હવે બનાવશે ટીવી, ફ્રિજ જેવાં ઉપકરણ

મોરબીની એક કંપની સાથે જોબવર્કનો કોન્ટ્રેકટ પણ સાઇન કર્યો છેઃ મોબાઇલ ફોન અને હોમ અપ્લાયન્સિસ પણ તૈયાર કરશે અને એ બધાનું બ્રેન્ડનેમ રહેશે 'સ્વદેશી': ભવિષ્યમાં ટાઉનશિપ પ્રોજેકટમાં પણ બાબા હાથ અજમાવશે

નવીદિલ્હી તા.૩૧: ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડ્સ (FMCG) માર્કેટમાં તહલકો બોલાવી દીધા પછી BSNL સાથે મોબાઇલ નેટર્વકમાં દાખલ થનારા અને રેડીમેડ ગાર્મેન્ટ્સમાં આવવાની જાહેરાત કરી દેનારી બાબા રામદેવની પતંજલિ કંપની હવે ઇલેકટ્રોનિકસ ઉપકરણોની બજારમાં આવી રહી છે.

'સ્વદેશી' બ્રેન્ડનેમ હેઠળ બાબા રામદેવ ટીવી, ફ્રિજ અને હોમ અપ્લાયન્સિઝ તો બનાવશે જ પણ સાથોસાથ મોબાઇલનું ઉત્પાદન પણ કરશે. બાબા રામદેવે કહ્યું હતું કે 'મેક ઇન ઇન્ડિયાનો જે નારો આપણી સરકારે આપ્યો છે એ નારાને સાકાર કરવાની દિશામાં પતંજલિ શરૂઆત કરી અને એને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. આજે FMCG પ્રોડકટ્સના વેચાણમાં પતંજલિને કારણે મલ્ટિનેશનલ કંપનીઓનું સેલ વીસથી ચાલીસ ટકા જેટલું ઘટયું છે. ઇલેકટ્રોનિકસ આઇટમમાં ફોરેન કંપનીઓનુ઼ વર્ચસ્વ છે એને પણ હવે પતંજલિ તોડશે.'

બાબા રામદેવની ઇચ્છા છે કે પતંજલિ આવનારા સમયમાં કન્સ્ટ્રકશન ફીલ્ડમાં પણ આવે અને અર્ફોડેબલ હાઉસિંગની સાથોસાથ સ્વાસ્થ્યવર્ધક કહેવાય એવા હવાઉજાસવાળાં ઘરો પણ બનાવે. બાબા રામદેવે કહ્યું હતું કે ' એ માટે પણ અત્યારે અમે પેપરવર્ક કરીએ છીએ, પણ અમે ઇચ્છીએ છીએ એ પ્રકારના ટાઉનશિપના પ્રોજેકટ આખા દેશમાં શરૂ કરવામાં હજી વાર લાગશે.' (૧.૩)

(10:00 am IST)