Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

કર્મીઓના પગાર માટે કેન્દ્ર પાસે ૫૦૦૦ કરોડ માગ્યા

દિલ્હીને ખર્ચ પેટે દર માસે ૩,૫૦૦ કરોડની જરુર : લોકડાઉનને લીધે મુખ્યમંત્રી કેજરીવાલ સરકારની વેરાની આવકમાં નોંધપાત્ર ગાબડું પડ્યું : મનિષ સિસોદિયા

નવી દિલ્હી,તા.૩૧ : કોરોના વાયરસની મહામારીને અંકુશમાં લેવા માટે લાગુ કરવામાં આવેલી લોકડાઉનની શ્રેણીને પગલે રાજ્યોની કરની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દિલ્હી સરકારે રવિવારે તેમના કર્મચારીઓના પગાર કરવા માટે કેન્દ્ર પાસેથી ૫,૦૦૦ કરોડની આર્થિક સહાયની માંગ કરી છે. દિલ્હી સરકારે આ કટોકટીના કાળમાં ઓફિસ ખર્ચ તેમજ કર્મીઓના પગાર ચુકવવા માટે કેન્દ્ર સામે હાથ લંબાવ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ જણાવ્યું કે કોરોના વાયરસથી લાગુ કરાયેલા લોકડાઉનથી દેશ તેમજ રાજ્યના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડી છે. સિસોદિયાની પ્રેસ વાતચીત બાદ સીએમ કેજરીવાલે પણ ટ્વીટ કરીને વિપત્તીની આ ઘડીમાં કેન્દ્રને મદદ કરવા રજૂઆત કરી હતી. સિસોદિયા દિલ્હીના નાણાં મંત્રીની જવાબદારી પણ સંભાળી રહ્યા છે, તેમણે જણાવ્યું કે પ્રતિ માસ દિલ્હી સરકારને ઓફિસ ખર્ચ અને કર્મચારીઓ પગાર પેટે ૩,૫૦૦ કરોડની જરૂર પડે છે. લોકડાઉનના ગાળામાં રાજ્યની વેરાની આવક ૮૫ ટકા જેટલી ઘટી ગઈ હતી. સિસોદિયાએ વધુમાં જણાવ્યું કે, તેમણે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણને એક પત્ર લખીને ૫,૦૦૦ કરોડની મદદની માંગ કરી છે. અન્ય રાજ્યોને ડિઝાસ્ટર રીલિફ ફંડમાંથી નાણાં મળ્યા છે પરંતુ દિલ્હીને હજી સુધી કોઈ જ આર્થિક મદદ મળી નથી. રાજ્ય સરકારના કર્મચારીઓના પગારનો પ્રશ્ન સૌથી મહત્વનો છે જેથી કેન્દ્રને તાત્કાલિક મદદ કરવા જણાવાયું છે, તેમ સિસોદિયાએ વધુમાં ઉમેર્યું હતું. દિલ્હીની જીએસટીની આવક છેલ્લા બે મહિનામાં પ્રતિ માસ ૫૦૦ કરોડની જ રહી છે. જ્યારે આ ગાળામાં વિવિધ સ્રોત દ્વારા રાજ્યની કુલ આવક ૧,૭૩૫ કરોડ રહી હતી. કોરોના વોરિયર્સ અને કર્મચારીઓ તેમજ ઓફિસ ખર્ચ પેટે કુલ ૭,૦૦૦ કરોડની રાજ્ય સરકારને જરૂર છે. આવકમાં ઘટાડાને પગલે દિલ્હી સરકારે આ મહિને લીકરના વેચાણ ઉપર ૭૦ ટકા વિશેષ કોરોના ફી પણ નાંખી હતી. આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલ ઉપરનો વેટ પણ વધારવામાં આવ્યો હતો.

(9:57 pm IST)