Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

સોનુ સૂદના કામથી ખુશ થયા મહારાષ્ટ્રના ગવર્નર કોશિયારી

સમર્થનનું આશ્વાસન આપ્યું : મહારાષ્ટ્રના ગર્વનર ટ્વિટર હેન્ડલ પર સોનુ સૂદ અને ભગતસિંહ કોશયારીની તસવીર શેયર કરવામાં આવી

મુંબઈ, તા. ૩૧ : પરપ્રાંતિય મજૂરોને ઘરે મોકલવા માટે સોનુ સૂદે અભિયાન ચલાવ્યું છે અને તે સતત પોતાના કામને પાર પાડી રહ્યો છે. તેના સહયોગથી હજારો પરપ્રાંતિયો મુંબઈથી પોતાના ઘરે પહોંચી ગયા છે. સોનુ સૂદના આ કામની બંધે પ્રશંસા થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર લોકો તેના આ કદમને પ્રશંસનીય ગણાવી રહ્યા છે. બીજી તરફ સોનુ સૂદે હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશયારીની મુલાકાત કરી છે. આ વાતની જાણકારી મહારાષ્ટ્ર ગવર્નરના ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે. મહારાષ્ટ્રના ગર્વનર ટ્વિટર હેન્ડલ પર સોનુ સૂદ અને ભગતસિંહ કોશયારીની તસવીર શેર કરવામાં આવી. તેની સાથે લખવામાં આવ્યું કે, ફિલ્મ સ્ટાર સોનુ સૂદે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશયારી સાથે મુંબઈમાં મુલાકાત કરી. એક્ટરે રાજ્યપાલને પોતાના કામ (પરપ્રાંતિયોને તેના ઘરે મોકલવા અને જમવાનું આપવું) અંગે જાણકારી આપી. ભગતસિંહ કોશયારીએ સોનુના સારા કામની પ્રશંસા કરી અને તેને સંપૂર્ણ સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું. સોનુ સૂદ અત્યાર સુધી હજારો પ્રવાસી મજૂરોને પોતાના ઘરે મોકલી ચૂક્યો છે. તેનું કહેવું છે કે, જ્યાં સુધી દરેક મજૂરને તેને ઘરે નહીં પહોંચાડી દે ત્યાં સુધી તે પોતાનું આ અભિયાન ચાલુ રાખશે. મજૂરોને ઘરે પહોંચાડવા માટે તે ૧૮-૧૮ કલાક કામ કરી રહ્યો છે. સોનુ સૂદને આ કામમાં તેની દોસ્ત નીતિ ગોયલ પૂરો સાથ આપી રહી છે. સોનુ સૂદે સોશિયલ મીડિયા પર હેલ્પલાઈન નંબર આપી રાખ્યો છે જેથી બહાર જનારા લોકો તેને સંપર્ક કરી શકે. તેણે ટ્વિટ કરીને લખ્યું છે, 'મારા વ્હાલા મજૂર ભાઈઓ અને બહેન. જો તમે મુંબઈમાં હોવ અને પોતાા ઘરે જવા માગતા હોય તો કૃપા કરીને આ નંબર પર કોલ કરો. ૧૮૦૦ ૧૨૧ ૩૭૧૧ અને જણાવો કે તમે કેટલા લોકો છો, અત્યારે ક્યાં છો અને ક્યાં જવાનું છે.

(8:12 pm IST)