Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

મહારાષ્ટ્ર પોલીસમાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧૧૪ કેસ નોંધાયા કોવિડ-૧૯ના ચેપગ્રસ્તોનો આંક ૧૩૩૦ પર પહોંચ્યો

મુંબઈ, તા. ૩૦ : આર્થિક રાજધાની તરીકે ઓળખાતું મુંબઈ હાલ કોરોનાના પ્રકોપને લઈ દેશમાં સૌથી વધુ પ્રભાવિત મહાનગર બની ચૂક્યું છે. મુંબઈમાં અત્યાર સુધીમાં ૩૬,૯૩૨ કેસો નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ૧૧૭૩ લોકોના મોત થયા છે. શુક્રવારે શહેરમાં ૧૪૪૭ નવા કેસ સામે આવ્યા હતા અને ૩૮ દર્દીના મોત નિપજ્યા હતા. મહાનગરમાં શહેરીજનોને કોરોનાના કહેરથી ઉગારવા ફ્રન્ટ વોરિયર તરીકે તૈનાત પોલીસ કર્મીઓ પણ મહામારીની લપેટમાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્ર પોલીસમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૪ નવા કેસ સામે આવ્યા છે. શનિવારે સવારે નોંધાયેલા આંકડા મુજબ રાજ્ય પોલીસ દળમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૩૩૦ સક્રિય કેસો છે. મૃત્યુ પામનારાઓની વાત કરીએ તો વિતેલા ૨૪ કલાકમાં એક કર્મીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૪ પર પહોંચી ગયો છે. ગુરુવારે મહારાષ્ટ્ર પોલીસમાં કુલ ૧૨૧૬ સક્રિય કેસ હતા. સમાચાર એજન્સી એનએનઆઈના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર પોલીસમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૦૯૫ છે, ગત માસમાં મુંબઈ પોલીસના ૫૫થી વધુ લોકોને ઘેર રહેવાની સૂચના અપાઈ હતી. આ ઉપરાંત જે પણ કર્મચારીને ડાયાબિટિઝ કે હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ છે, તેમને પણ આવી જ સૂચના જારી કરાઈ છે. મહામારીના કહેરમાં પોલીસ, તબીબો, મેડિકલ સ્ટાફ તેમજ સેનેટાઈઝેશનનું કામ કરતા કર્મચારીઓને ચેપ લાગવાની શક્યતા સૌથી વધારે રહે છે.

કોરોનાના કહેરનો સૌથી વધુ સામનો કરી રહેલાં મહારાષ્ટ્ર રાજ્યમાં શુક્રવારે એક જ દિવસમાં ૨૬૮૨ નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે ૧૧૬ લોકોના મોત થયા હતા. જે અત્યાર સુધીમાં સૌથી વધુ એક દિવસમાં નોંધાયેલા કેસોની સંખ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા ૬૨,૨૨૮ પર પહોંચી ચૂકી છે. તેમજ મૃત્તકોની સંખ્યા ૨૦૯૮ પર પહોંચી ચૂકી છે.

(12:00 am IST)