Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

પાકિસ્તાનમાં કોરોના વાયરસના ૬૭૫૦૦ કેસ, ૧૪૦૦ના મોત

૨૪ કલાકમાં ૨૪૨૯ કેસ નોંધાતા ચિંતા વધી

 ઇસ્લામાબાદ, તા. ૩૦ : પાકિસ્તાનમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસની બિમારીથી ૭૮ લોકોના મોત થયા છે, આ સાથે કુલ ૧૩૯૫ લોકોના મોત થયા છે, તેમજ દેશભરમાં ૬૭૫૦૦ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. પાકિસ્તાનના આરોગ્ય અધિકારીઓના આદેશ અનુસાર દેશમાં હમણાં સુધી ૫૨૩૦૩૭ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં શુક્રવારે ૧૨૦૨૦ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચિંતાના કારણ એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૪૨૯ કેસ નોંધાયા છે, આ સાથે કુલ મળીને કેસની સંખ્યા ૬૬૪૫૭ થઈ ગઈ છે.

           પાકિસ્તાનમાં કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ સિંધ પ્રાંતમાં છે, ત્યાં ૨૬૧૧૩ કેસ નોંધાયા છે, ત્યારબાદ પંજાબ પ્રાંતમાં ૨૪૦૧૪, ખૈબર-પખ્તૂનખ્વામાં ૯૦૬૭, બલૂચિસ્તાનમાં ૪૦૮૭, ઇસ્લામાબાદમાં ૨૧૯૨, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ૬૬૦ અને પીઓકેમાં ૨૩૪ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના કહેવા અનુસાર હમણાં સુધી ૨૪૧૩૧ દર્દીઓ સાજા થયા છે. આ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે ફ્રન્ટિયર રીજન અને નારકોટિક્સ કંટ્રોલના રાજ્યમંત્રી શેહિરાર અફરીદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે પોતાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. હાલ હું ડોક્ટરના કહેવાથી સેલ્ફ આઇસોલેશનમાં છું. આ દરમિયાન બ્રિટને પાકિસ્તાને કોરોના વાયરસના પ્રસારને કાબુમાં લેવા માટે ૪.૩૯ મિલિયન પાઉન્ડની મદદ કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન પાકિસ્તાને કોરોનાને કાબુ લેવા માટે ટેસ્ટિંગ પર વધુ ભાર મૂક્યો છે.

(12:00 am IST)