Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ઘરમાં માસ્ક પહેરાવાથી પરિવારમાં કોવિડ-૧૯ ફેલાતો અટકાવી શકાશે

ચીનના પરિવારો પર થયેલો સ્ટડી 'બીએમજે ગ્લોબલ હેલ્થ' જર્નલ પ્રગટ થયો

 બેઇજિંગ, તા. ૩૦ : દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારી પ્રસરી છે, જેના કારણે સૌ કોઈ ચિંતામાં છે. આ દરમિયાન કોરોના વાયરસને લઈને અનેક ઉપયોગી સ્ટડી થઈ રહ્યા છે, જેના તારણો કોવિડ-૧૯ને અટકાવવામાં મદદરુપ સાબિત થઈ રહ્યા છે. તાજેતરના એક લેટેસ્ટ સ્ટડી અનુસાર પરિવારના કોઈ સભ્યમાં કોરોના વાયરસના ચેપના લક્ષણ દેખાય એ પહેલાં ઘરમાં માસ્ક પહેરવાથી પરિવારમાં તેને ફેલાવો રોકવામાં મદદ મળી શકે છે.

'બીએમજે ગ્લોબલ હેલ્થ' જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીમાં વાત રજૂ કરવામાં આવી છે. સંશોધકોની ટીમ દ્વારા આ સ્ટડી ચીનના પરિવારો પર કરવામાં આવ્યો છે. આ સ્ટડીમાં દર્શાવવામાં આવ્યું છે કે પરિવારના પ્રથમ વ્યક્તિમાં ચેપના લક્ષણ દેખાય એ પહેલાં ઘરમાં માસ્ક પહેરવું ચેપને રોકવામાં ૭૯ ટકા અસરકારક સાબિત થઈ શકે છે.

સંશોધકોની ટીમે જણાવ્યું કે લક્ષણ દેખાયા બાદ ઘરમાં માસ્ક પહેરવાથી ચેપને રોકવામાં મદદ મળતી નથી. આ રીસર્ચ ટીમમાં બેઇજિંગ રિસર્ચ સેન્ટર ફોર પ્રિવેન્ટિવ મેડિસિનના સભ્યો સામેલ છે.

પરિવારોમાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે માસ્કની ઉપયોગીતાને સાબિત કરવા માટે સંશોધકોએ બેઇજિંગના ૧૨૪ પરિવારોના ૪૬૦ લોકોને વૈશ્વિક મહામારી દરમિયાન સ્વચ્છતા સંબંધિત આદતો સંલગ્ન સવાલ કર્યા હતા. આ તાજા સ્ટડીમાં કહેવાયું છે કે સેનિટાઈઝરનો રોજ ઉપયોગ કરવો, બારી ખોલવી અને ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવાથી ચેપ લાગવાનું જોખમ ઓછું રહે છે. સંશોધકોના કહેવા અનુસાર જો પરિવારનો કોઈ સભ્ય ચેપગ્રસ્ત થયો છો અને તેને ઝાડાને ફરિયાદ છે તો પરિવારના અન્ય સભ્યોને ચેપ હોવાનો ખતરો સૌથી વધુ છે. આ સિવાય એક ટેબલ પર સાથે બેસીને ભોજન લેવું કે ટીવી જોવાથી પણ ચેપનો ખતરો ૧૮ ગણો વધી જાય છે. આ સ્ટડી તૈયાર કરનાર સંશોધકોએ એમ પણ કહ્યુ કે, ઘરમાં સફાઈ માટે બ્લીચ કે સેનિટાઈઝરનો નિયમિત ઉપયોગ કરવો અને માસ્ક પહેરવાથી ખતરો ઓછો રહે છે. આ સ્ટડી અનુસાર ચેપને ફેલાતો રોકવામાં લક્ષણ દેખાય એ પહેલાં માસ્ક પહેરવું ૭૯ ટકા અને સેનિટાઈઝરનો ઉપયોગ ૭૭ ટકા સુધી અસરકારક સાબિત થાય છે.

આમ, કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે વધુ એક સ્ટડીનું તારણ લોકો માટે ઉપયોગી નીવડી શકે છે, પરંતુ આ સ્ટડી મર્યાદિત સેમ્પલ સાથે કરવામાં આવ્યો છે. હજુ આગામી સમયમાં આ સ્ટડીને વિસ્તૃત કરવામાં આવશે. આ પહેલાં અમેરિકાની એક યુનિવર્સિટીના સંશોધકોએ રજૂ કરેલાં સ્ટડી અનુસાર સોશ્યલ ડિસ્ટિંગ માટે ૧ મીટરના અંતરનો નિયમ પુરતો નથી, કેમ કે કોરોના વાયરસનો ચેપ ૨૦ ફૂટ દૂર સુધી લાગી શકે છે. કોરોના વાયરસની રસી શોધાય નહીં ત્યાં સુધી અનેક પ્રકારના ઉપયોગી સ્ટડી પ્રગટ થતાં રહેશે.બેઇજિંગના સંશોધકોએ રજૂ કરેલાં સ્ટડીનું તારણ એટલું જ ચેપ લાગે એ પહેલાં માસ્ક પહેર્યું હોય તો ચેપને આગળ પ્રસરતો અટકાવી શકાય છે.

(12:00 am IST)