Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

દેશના તમામ ખેડૂતોને વાર્ષિક 6000 સહાયતા સાથે દરમહિને 3000 પેન્શન મળશે

મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણ્ય :નવી પેન્શન સ્કીમ જાહેર :

નવી દિલ્હી :મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી સરકાર  પ્રથમ દિવસથી જ એક્શનમાં જોવા મળી હતી. મોદી સરકારે આ બેઠકમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણયો લીધા હતા. દેશના તમામ ખેડૂતોને વાર્ષિક રૂ. 6000ની સહાયતા હવે પીએમ કિસાન યોજના હેઠળ મળશે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાન મંત્રી પેન્શન યોજના હેઠળ ખેડૂતોને માસિક  3000 પેન્શન મળશે. આ ઉપરાંત સરકાર શ્રમીકોને પણ માસિક પેન્શન આપશે.

 સરકારે નિર્ણય કર્યો છે કે દૂધનું ઉત્પાદન ઓછું થતું હોય તેવી બિમારીઓને દૂર કરવા માટે કેન્દ્રસરકાર સીધી પશુઓનું રસીકરણ કરશે. કેબિનેટની બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર અને પીએમઓના રાજ્ય મંત્રી ડૉ.જીતેન્દ્રસિંહએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને સરકારના નિર્ણયની માહિતી આપી હતી.

  કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, “વડાપ્રધાનનું ધ્યાન કૃષિ વિભાગ પ્રત્યે રહ્યું છે. 2022 સુધીમાં આવક બમણી કરવાનો પ્રયાસ છે. 3 કરોડથી વધુ ખાતાને પીએમ કિસાન યોજનાની મદદ મળી. ખેડૂતોમાં વર્ગીકરણ ન થવું જોઈએ અને તમામ ખેડૂતોને આ સહાયતા મળવી જોઈએ. અત્યારસુધી 12.5 કરોડ ખેડૂતો આ યોજનાના લાભાર્થી હતા હવે તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો હતો હવે 14.5 કરોડ ખેડૂતોને લાભ મળશે. હવે પછી 87,000 કરોડ રૂપિયાનું ભારણ સરકાર પર વધશે.

   આ ઉપરાંત ખેડૂતો અને નાના વેપારીઓ માટે પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે પણ ભાજપના સંકલ્પ પત્રમાં જાહેરાત કરાઈ  હતી. પેન્શન યોજના હેઠળ 18થી 40 વર્ષની ઉંમરના લોકોને 60 વર્ષ બાદ પ્રતિ મહિને 3000 રૂપિયા પેન્શન મળશે. આ યોજનામાં 10000 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. પેન્શનની સ્કિમ હેઠળ 18 વર્ષની ઉંમરની વ્યક્તિએ દર મહિને 55 રૂપિયાનું યોગદાન કરવાનું રહેશે. સરકાર પણ તેટલું જ યોગદાન કરશે. ઉંમર પ્રમાણે રકમ વધશે.

 કૃષિ મંત્રી તોમરે કહ્યું કે આ યોજનાઓથી ખેડૂતો, નાના વેપારીઓના જીવનસ્તરમાં સુધારો થશે અને તેમને સામાજિક સુરક્ષા મળશે. તેમણે જણાવ્યું કે પેન્શન યોજના હેઠળ 12થી 13 કરોડ લોકો કવર થશે. પહેલા તબક્કામાં 5 કરોડ લોકોને કવર કરવાનો લક્ષ્યાંક છે.

(8:51 pm IST)