Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

GSTની ચોરી બદલ FIR વગર પણ ધરપકડ કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ

જીએસટીની ચોરી કરનારને આગોતરા જામીન નહીં આપવાનો પણ સુપ્રીમનો નિર્દેશ

નવી દિલ્હી તા.૩૧: સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને એવી સલાહ આપી છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) કાયદાનું ઉલ્લંઘન કરનાર આરોપીઓને આગોતરા જામીન આપવામાં ના આવે. આ દરમિયાન કોર્ટે જીએસટીના ડિફોલ્ટર્સને જામીન નહીં આપવાના તેલંગણા હાઇકોર્ટના ચુકાદાને અકબંધ રાખ્યો હતો. આમ હવે જીએસટીની ચોરી કરનાર આરોપીને આગોતરા જામીન મળશે નહીં. આ ઉપરાંત કોર્ટ દ્વારા એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એફઆઇઆર દાખલ થયા વગર પણ જીએસટી ચોરી કરનારની ધરપકડ થઇ શકે છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે જોકે જણાવ્યું હતું કે જીએસટી ચોરી કરનાર આરોપીઓને જામીન આપવાની બાબતમાં વિવિધ હાઇકોર્ટોએ અલગ અલગ વલણ અપનાવ્યું છે, જેના કારણે ધરપકડની સત્તાની સમીક્ષા કરવી જરૂર છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસની આગામી સુનાવણી માટે ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચને આ કેસ રિફર કર્યો છે.

સુપ્રીમ કોર્ટે તેલંગણા હાઇકોર્ટનો ચુકાદો અકબંધ રાખતા વેપારીઓમાં હવે ગભરાટ ફેલાયો છે, જોકે જીએસટી નિષ્ણાતોનું કહેવું છે કે ધરપકડની જોગવાઇ નાના  ડીલર્સને લાગુ પડશે નહીં, કારણ કે કાયદામાં બે કરોડથી વધુની ટેકસ ચોરી પર જ ધરપકડ થઇ શકે છે અને પાંચ કરોડથી ઓછી કરચોરીની કિસ્સામાં ધરપકડના વોરંટી વગર ધરપકડ થઇ શકતી નથી. આમ, રૂ. બે કરોડ કરતા ઓછી રકમની જીએસટી ચોરી પર ધરપકડ કરી શકાય નહીં.

જો કોઇ ડીલર ટેકસ ચોરીના ઇરાદાથી બિલ વગર માલ કે સેવાનો સપ્લાય કરે અને સપ્લાય વગર ચલણ જારી કરે તો પણ ધરપકડ થઇ શકે છે, કારણ કે માલ કે સેવાના સપ્લાય વગર ડીલર ખોટી રીતે ઇનપુટ ક્રેડિટ કે રિપોર્ટ લેતા હોય છે.

(3:24 pm IST)