Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ભાજપને મિત્રોની હવે પરવાહ નથી : ઉદ્ધવ ઠાકરેનો ઘટસ્ફોટ

ચૂંટણી પંચ પણ ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપઃ મહારાષ્ટ્ર સરકાર સાથે છેડો ફાડવા પ્રશ્ને નિર્ણય ન થયો

મુંબઈ, તા.૩૧: પાલઘર લોકસભા પેટાચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ શિવસેનામાં ચિંતા જોવા મળી હતી. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ભાજપને હવે મિત્રની જરૃર રહી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચાર વર્ષમાં લોકસભામાં ભાજપે બહુમતિ ગુમાવી દીધી છે. મિડિયા સાથે વાતચીત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ભાજપે પૈસાની તાકાત પર આ ચૂંટણી જીતી લીધી છે. ભાજપના કાર્યકરો મતદાનના એક દિવસ પહેલા પૈસા વહેંચતા નજરે પડ્યા હતા. ઇવીએમમાં આવી રહેલી ખામીને લઇને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, ચૂંટણી પંચની સામે પણ ભ્રષ્ટાચારી વ્યવસ્થાને લઇને કેસ દાખલ થવો જોઇએ.

ઠાકરેએ ઉમેર્યું હતું કે, જો ચૂંટણી પંચ કોઇ એક પાર્ટીની તરફેણમાં કામ કરે છે તો લોકશાહી ખતરામાં પડી જાય છે. ચૂંટણી પંચમાં જે ભ્રષ્ટાચાર છે તેને લઇને ઉદ્ધવે કહ્યું હતું કે, ચૂંટણી પંચને નિમણૂંક કરવાને બદલે તેની ચૂંટણી થવી જોઇએ. ઉદ્ધવે કહ્યું હતું કે, અમે પહેલાથી જ દુવિધામાં હતા પરંતુ ૨૦૧૪ની સરખામણીમાં ભાજપની મત હિસ્સેદારી ઘટી છે. ૬૦ ટકા લોકો ભાજપનો અસ્વીકાર કરી રહ્યા છે. ઉદ્ધવે પાલઘરની જનતાનો આભાર માનતા યુપીના મુખ્યમંત્રી યોગી પર પ્રહાર કર્યા હતા. ઉદ્ધવે ઉમેર્યું હતું. ઉત્તરપ્રદેશની જનતાએ ભાજપને ગોરખપુરમાં અસ્વિકાર કર્યા બાદ યોગીએ મહારાષ્ટ્રમાં આવીને શિવાજીના બહાને શિવસેના પર પ્રહારો કર્યા હતા. મહારાષ્ટ્રમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ પણ ભાજપ માટે તેની પ્રતિષ્ઠા મુજબના રહ્યા નથી. પાલઘરમાં ભાજપની જીત થઇ છે પરંતુ ભંડારા-ગોંદિયા સીટ પર એનસીપીના ઉમેદવાર કુકડેની જીત થઇ છે. કોંગ્રેસે આ સીટ પર એનસીપીને સમર્થન આપ્યું હતું. પાલઘરમાં ભાજપે શિવસેનાને હાર આપી છે પરંતુ અહીં પણ સ્પર્ધા જોરદાર રહી હતી.

(10:13 pm IST)