Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

નોટબંધી બાદ ગ્રોથ રેટ ૭.૭ ટકાની સૌથી ઉંચી સપાટીએ

ભારત સૌથી ઝડપથી આગળ વધતું અર્થતંત્ર રહ્યું : ચીનને પછડાટ આપવામાં સફળતા મળીઃ ચીનનો ૬.૮નો ગ્રોથ રેટ જ્યારે ભારતનો ગ્રોથરેટ ૭.૭ ટકા : અહેવાલ

નવી દિલ્હી, તા. ૩૧ : સૌથી ઝડપથી વિકાસ કરી રહેલા મોટા અર્થતંત્ર તરીકે ભારતે તેનો દરજ્જો જાળવી રાખ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા આજે જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે. ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટે ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરાયો હતો. ચોથા ત્રિમાસિક ગાળામાં કૃષિ, મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ગ્રોથ રેટ ૪.૫ ટકા, ૯.૧ ટકા, ૧૧.૫ ટકાનો રહ્યો છે. સરકાર દ્વારા આજે સાંજે આંકડા જારી કરવામાં આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે, નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ના બીજા ત્રિમાસિકગાળા (જુલાઈ-સપ્ટેમ્બર) બાદથી જીડીપી ગ્રોથરેટ સૌથી ઉંચો રહ્યો છે. સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી અને ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટને બંધ કરી દીધી હતી. લોકોની અપેક્ષાઓ કરતા પણ ગ્રોથરેટ ઉંચો રહ્યો છે. હાલમાં જ અર્થશાસ્ત્રીઓની એક ટીમે ગ્રોથ રેટ ૭.૩ ટકા રહેવાની વાત કરી હતી. છેલ્લા ૧૮ મહિનામાં અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો. કારણ કે, બે મોટા નિર્ણય લેવાયા હતા જેમાં નોટબંધી અને જીએસટીનો સમાવેશ થાય છે. આના કારણે ગ્રોથરેટ છેલ્લા ત્રિમાસિકગાળામાં ખુબ નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. જો કે, બેંકિંગ સિસ્ટમમાં વધતી જતી બેડ લોન સરકાર માટે ચિંતાજનક બાબત છે. ૨૦૧૭માં બેંકિંગ સેક્ટરમાં લોનનો આંકડો ૯.૭૫ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. ગ્રોથને લઇને કરવામાં આવેલી આગાહીને મોનસુનની સિઝન દરમિયાન વધુ રાહત મળી શકે છે.

કેરળમાં મોનસુનની શરૂઆત થઇ ચુકી છે. કૃષિ ઉત્પાદન માટે આને ખુબ સારા સંકેત તરીકે ગણવામાં આવે છે. મોનસુનની સિઝન દરમિયાન ઉત્પાદન વધવાના પણ સંકેત દેખાઈ રહ્યા છે. નોટબંધી બાદથી સૌથી ઉંચા દરને લઇને સરકારને પણ રાહત થઇ છે. કારણ કે, હાલમાં તેની વ્યાપક ટિકા આર્થિક મોરચે થઇ રહી છે. નોટબંધી અને જીએસટીના કારણે આર્થિક મંદી જોવા મળી રહી હતી. ૨૧ સરકારી બેંકો બેંકિંગ સંપત્તિ પૈકી ૨ તૃતિયાંશ સંપત્તિ ધરાવે છે.

(7:37 pm IST)