Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

લગ્નની વેબસાઈટ પર દહેજના ભાવ !

સખત પગલા લેવા કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાનને રજૂઆત કરી

નવી દિલ્હી, તા. ૩૧ :. દેશ અને રાજ્યની સરકારો દહેજ વિરૂદ્ધ સતત અભિયાન ચલાવે છે. દહેજ લેવુ તે કાનૂની અપરાધ છે અને તેના માટે કડક સજાની જોગવાઈ છે, તો પણ દેશમાં એક એવી વેબસાઈટ છે જે દર્શાવે છે કે વરને કેટલંુ દહેજ મળશે. કોંગ્રેસી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ બાબતે ફરીયાદ કરી છે. સિંધિયાએ ટ્વીટ કર્યુ છે કે, મને આ વેબસાઈટ બાબત કોઈએ ધ્યાન દોર્યુ હતું. આ ખરેખર શરમજનક છે. હું મહિલા કલ્યાણ મંત્રાલય અને વડાપ્રધાનને અપીલ કરૂ છું કે આના પર કડક કાર્યવાહી કરવામાં આવે.

દેશમાં દર વર્ષે ઘણી બધી છોકરીઓ દહેજના લોભીઓનો શિકાર બને છે. કડક કાયદો હોવા છતાં પણ આ કુરિવાજ દેશમાંથી ખતમ નથી થયો. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના આંકડા તેની સાબિતી આપે છે. ૨૦૧૬ના આંકડા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં દહેજની ફરીયાદો સૌથી વધારે આવી છે.

ડાઉરી કેલ્કયુલેટર નામની આ વેબસાઈટમાં લોગઈન કરીને કુલ ૧૦ જાણકારીઓ માંગવામાં આવે છે. સૌથી પહેલા ઉંમર ત્યાર બાદ જ્ઞાતિની માહિતી મંગાય છે. છોકરાનો ધંધો અને હાલની આવક, કયાંથી ભણ્યો છે એને તેના કાર્યક્ષેત્રની માહિતી ત્યાર પછી આપવાની હોય છે. વેબસાઈટ પર ત્યાર બાદ છોકરાના રંગ અને લંબાઈ, તેણે પહેલા લગ્ન કર્યા છે કે નહીં? જો કર્યા હોય તો કેટલીવાર અને તેના પિતાના ધંધા વિશે પુછવામાં આવે છે. ત્યાર બાદ કેલ્કયુલેટ ડાઉરી એમાઉન્ટ આઈકોન પર કલીક કરવાથી દહેજમાં મળનાર રકમનો  આંકડો આવે છે.  વેબસાઈટમાં  ઘણી  બધી ખામીઓ છે.

ભારતમાં લેવા અને દેવા ઉપરાંત દહેજને પ્રોત્સાહન આપનાર સામે પણ સખત સજાની જોગવાઈ છે.

(4:20 pm IST)