Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ઉત્તરાખંડમાં ભાજપનો વિજય : પંજાબ - મહારાષ્‍ટ્ર કર્ણાટકમાં કોંગ્રેસનો સપાટો : બિહારમાં નીતિશને ફટકો

વિધાનસભા પેટાચુંટણી જંગ : ઝારખંડની બંને બેઠક JMMને ફાળે : પં.બંગાળ TMCની જીત : પાલઘર લોકસભા બેઠક ભાજપને : ભંડારા ગોંદિયા બેઠક પર NCP વિજય ભણી

નવી દિલ્‍હી તા. ૩૧ : દેશની લોકસભાની ૪ તથા વિવિધ રાજ્‍યોની ૧૦ વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચુંટણીના મતગણતરીના પરિણામો આ લખાય છે ત્‍યારે મહદ અંશે સામે આવી ગયા છે. યુપીની પ્રતિષ્‍ઠિત કૈરાના બેઠક પર ભાજપના ભુંડા પરાજય બાદ અન્‍ય બેઠકો પરના ચિત્ર સ્‍પષ્‍ટ થયા છે.

મિ બંગાળ

મહેશતાલા વિધાનસભા સીટ પરથી તૃણમુલના દલાલ દાસનો વિજય થયો છે. ભાજપના સીબીઆઇના પૂર્વ સંયુક્‍ત નિર્દેશક સુજીત ઘોષની હાર થઇ છે.

બિહાર

બિહારમાં આરજેડીએ જોકીહાટ વિધાનસભા સીટ પર ૪૧ હજાર મતોથી જીત મેળવી છે. જેડીયુ વિધાયક સરફરાઝ આલમની હાર થઇ છે. આરજેડીના ઉમેદવાર શાહનવાઝ ૪૧,૨૨૪ મતોથી જીત્‍યા છે.

કેરળ

ચેંગનુર વિધાનસભા પેટાચુંટણીમાં સીપીએમ ઉમેદવારે ૨૦,૯૫૬ મતોથી જીત નોંધાવી છે. આ વખતે યુડીએફે ડી.વિજયકુમારને ઉમેદવાર બનાવ્‍યા હતા. ભાજપે પી.એસ.શ્રીધરન પર વિશ્વાસ દર્શાવ્‍યો હતો.

પંજાબ

પંજાબની શાહકોટ સીટ પર ૩૮ હજાર મતોથી કોંગ્રેસે જીત નોંધાવી છે. શાહકોટ સીટ પરથી અકાળી દળના વિધાયક અજીત સિંહના નિધન બાદ ચુંટણી થઇ હતી. કોંગ્રેસના હરદેવસિંહે જીત નોંધાવી છે.

ઝારખંડ

સિલ્લી સીટ પર જેએમએમ ઉમેદવાર સીમા મહતોએ ૧૩,૫૧૦ મતોથી સુરેશ મહતોને હરાવ્‍યા છે તેમજ ગોમિયા વિધાનસભા સીટ પર પણ જેએમએમ ઉમેદવાર બબીતા દેવીએ જીત નોંધાવી છે.

મહારાષ્‍ટ્ર

મહારાષ્‍ટ્રની પલુસ - કડેગામ વિધાનસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર વિશ્વજીત કદમનો વિજય થયો છે.

મેઘાલય

મેઘાલયની અંપાતી સીટ પર કોંગ્રેસ ઉમેદવાર મુકુલ સંગમાની પુત્રી મિયાનીને ૩૧૯૧ મતોથી જીત મેળવી છે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડની થરાલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુન્‍નીદેવી શાહનો વિજય થયો છે.

કર્ણાટક

કર્ણાટકની રાજરાજેશ્વરી સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મુનીરત્‍નાનો વિજય થયો છે.

દેશની ચાર

લોકસભા બેઠકો

૪ લોકસભા બેઠકોમાં સૌથી પ્રતિષ્‍ઠિત બેઠક યુપીની કૈરાના બેઠક પર ભાજપના ભુંડા પરાજય બાદ અન્‍ય બેઠકોનું ચિત્ર સ્‍પષ્‍ટ થતું જોવા મળ્‍યું છે.

પાલઘર

પાલઘર બેઠક પર ભાજપ ઉમેદવાર રાજેન્‍દ્ર ગાવિતે જીત નોંધાવી ગાવિત કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્‍યા હતા. અહિંયા શિવસેનાના વનાગાના પુત્ર શ્રીનિવાસ વનાગાને મેદાનમાં ઉતાર્યા હતા. હારથી શિવસેના અકળાયેલી જોવા મળી હતી અને ઇવીએમ પર સવાલો ઉઠાવ્‍યા હતા.

ભંડારા - ગોંદિયા

ભંડારા - ગોંદિયા બેઠક પર આ લખાય છે ત્‍યારે ભાજપના હેમંત પટેલ આગળ ચાલી રહ્યા હતા, પરંતુ હવે એનસીપી ઉમેદવાર આગળ નીકળી ગયા છે. એનસીપીને ત્‍યાં કોંગ્રેસનું સમર્થન મળ્‍યું છે. શિવસેનાએ ત્‍યાં ઉમેદવાર ઉતાર્યા જ નથી. આ સીટનું પરિણામ ૨૦૧૯ની દ્રષ્‍ટિએ જોઇએ તો મહત્‍વનું છે.

નાગાલેન્‍ડ

નાગાલેન્‍ડ લોકસભા સીટ પર ભાજપની સહયોગી પાર્ટી આગળ ચાલી રહી છે. આ લખાય છે ત્‍યારે નેશનલિસ્‍ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીએ નાગા પીપુલ્‍સ ફ્રન્‍ટ પર ૩૪,૬૬૯ મતોથી આગળ છે.

(4:10 pm IST)