Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

આજે ‘વર્લ્‍ડ નો ટોબેકો ડે' વ્‍યસન તમારા વ્‍યક્‍તિત્‍વને ખાઇ જાય છે !!

૩૧ મેં ‘વર્લ્‍ડ નો ટોબેકો ડે'આંતરરાષ્ટ્રીય સંસ્‍થા વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન ‘ડબ્‍લ્‍યુ.એચ.ઓ'દ્વારા ઘોષિત કરવામાં આવ્‍યો છે. શા માટે આવા દિવસો બનાવવા જ પડે છે? આપણા દેશમાં ‘વ્‍યસન મુક્‍તિ' અભિયાન દરેક સરકારે ખુબ ગંભીરતા થી લીધું છે. વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. મુવી ની પેહલા થીએટરમા બતાવાતી તમાકુની આડ અસરને લગતી જાહેરાતો આ અભિયાનનો જ ભાગ છે. શા માટે તમે વ્‍યસન કરો અને બીજા બધા જ આવી જાહેરાતો નો ત્રાસ સહન કરે? આટલી ડરામણી જાહેરાતો પછી પણ કેટલા લોકો સમજે છે? અને જો જે વ્‍યસન કરે છે તેને જ ના સમજવું હોઈ તો અમારા જેવા પ્રામાણિકતાથી કામ કરી ટેક્ષ ભરતા લોકોના રૂપિયા થી શું કામ ‘વ્‍યસન મુક્‍તિ અભિયાન'ચલાવાય છે? ગુજરાતના કેટલાય ધર્મના આગેવાનો લોકો ને સમજાવીને વ્‍યસન મુક્‍ત કરાવવા પ્રયત્‍ન કરે છે. કેમ?!

કારણ તમે એટલે કે જે લોકો વ્‍યસન કરો છો તે આ સમાજ નો એક ભાગ છો. જો સમાજના બીજા લોકો તમારા સ્‍વાસ્‍થ્‍ય માટે આટલો પ્રયત્‍ન કરતા હોય તો તમારે તમારી જાતને ના સમજાવવી જોઈએ? તમાકુ નું માવા,ફાકી,પાન,સિગરેટ કોઈ પણ રીતે સેવન કરવું સ્‍વાસ્‍થ્‍ય માટે નુકશાનકારક છે. શરીરને એક થી વધુ રીતે નબળું પાડે છે. કેન્‍સરમા ગુજરી જતા વ્‍યસનીઓ ના કુટુંબના લોકો નો શું વાંક છે? તમે જયારે સમાજનો એક ભાગ છો ત્‍યારે સમાજ પ્રત્‍યે પણ તમારી ફરજ છે. તમે દેશ સેવા ના કરી શકો તો કઈ નહી, તમારા કુટુંબના લોકોને સાચવવા એ તો તમારું કામ છે ને? વ્‍યસનને કારણે નાની ઉમરે ગુજરી જતા લોકોના કુટુંબના લોકોની શું હાલત થાય તે વિચારો તો પણ વ્‍યસન મૂકી દેવાનું નક્કી કરો.

ચાલો ! માન્‍યું તમને દેશની પરવાહ નથી, સમાજની પરવાહ નથી, તમારા પોતાના કુટુંબની પરવાહ નથી પણ શું તમને તમારી જાતની પણ પરવાહ નથી? વ્‍યસન કદાચ ૨-૫-૧૦ વર્ષે તમને મારે પણ તમારા વ્‍યક્‍તિત્‍વને તો દિવસોમાં ખતમ કરી નાખે છે. યુવાનો ના સડેલા દાંત અને ગંદા હાસ્‍ય વ્‍યક્‍તિત્‍વને હીરોમાંથી ઝીરો બનાવે છે. ક્‍યારેય તમે પોતે જાતે અરીસા સામે ઉભા રહી પોતાના હાસ્‍યને જોયું છે? જો જો ! ચોક્કસ શરમાશો ! સારા દેખાવા માટે યુવાનો શું પ્રયત્‍ન નથી કરતા? બાઈક,કાર,બ્રાન્‍ડેડ જીન્‍સ,સ્‍ટાઈલીશ ટી-શર્ટ, ટ્રેન્‍ડી હેર કટ, રિસ્‍ટ વોચ, સલમાન જેવી લક્કી,સ્‍પોર્ટ્‍સ શુઝ, ડઝન ગોગલ્‍સ અને બે ડઝન ડીઓ!!! બ્‍યુટી સલુનના ખર્ચા તો અલગ જ! આ બધા પર તમારા ગંદા દાંત વાળી સ્‍માઈલ પાણી ફેરવી દે છે. આવા ભદ્દા હાસ્‍ય કોઈને નથી ગમતા. દેખાવ પર આટલો ખર્ચ કરો છો તો આ એક વાત ના સમજી શકો?

૧૫ થી ૩૦ વર્ષની ઉમરે દરેક વ્‍યક્‍તિને સારા દેખાવની ઈચ્‍છા મહતમ હોય. આ જ વર્ષોમાં તમારી વ્‍યસનની આદત તમને ૧૦ વર્ષ ઘરડા દેખાતા કરી નાખે છે. સ્‍વાસ્‍થ્‍ય જાળવવું સેહલું નથી. લોકો વર્ષો ના વર્ષો કસરત કરે, નિયમિત ખોરાક લે અને વ્‍યવસ્‍થિત જીવે ત્‍યારે ફીટ એન્‍ડ ફાઈન રહે છે. આ રીતે જીવતા નિર્વ્‍યસની લોકો ચોક્કસ પોતાની ઉમર કરતા નાના અને સારા દેખાતા હોય છે. જયારે આ કેહવાતા યુવાનો વ્‍યસનને કારણે તરત જ સારા દેખાવના લીસ્‍ટમાં થી બહાર નીકળી જાય છે. દરેક યુવાનને સુંદર પત્‍ની જ ગમે. તો તમે વિચારો કે તમે આવા ગંદા દેખાવ સાથે કઈ રીતે કોઈ ને ગમી જ શકો? ‘સુંદરતા પામતા પેહલા સુંદર બનવું પડે છે'ચેહરા પર એક ખીલ હોઈ તો દિવસમા ૫ વાર અરીસામાં જોવો છો ને? તો ત્‍યારે વ્‍યસનને કારણે ગંદા થઇ ગયેલા દાંત પણ જોતા જાવ. એટલે સ્‍કીન સ્‍પેશ્‍યાલીસ્‍ટ ને બદલે હેલ્‍થ સ્‍પેશ્‍યાલીસ્‍ટ ને મળવાનું સમજાશે.

વ્‍યસનને કારણે તમે કોઈ પણ વ્‍યક્‍તિને મળો ત્‍યારે પેહલી ઈમેજ ના જ માર્ક ગુમાવી દ્યો છો. કોઈ સારી છોકરી તમારા સાથે ભણતી કે જોબ કરતી હોઈ તો પણ તમારા સાથે દોસ્‍તી કરવાનું પસંદ ના કરે. જોબ માટે કે બીઝનેસ માટે કોઈ ને મળો તો સીધા તમારી વ્‍યસની ની ઈમેજ ને ફેલાવતા આવો છો. કોઈ તમને મોઢે નહી કહે પણ તમારી નેગેટીવ ઈમેજ મન્નમાં રહી જાય. જો તમે તમારી જાતનું - સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન નથી રાખી શકતા તો કોઈ ની સંસ્‍થાને કર્મચારી તરીકે શું મદદ કરવાના? તેવો વિચાર એક વાર તો આવે જ.

તમારા કુટુંબના લોકો ને તમારા સ્‍વાસ્‍થ્‍યની ચિંતા છે. દેશ - સમાજ વ્‍યસન મુક્‍તિ માટે લોકો ને પ્રોત્‍સાહિત કરે છે પણ તમે તમારી જાત માટે શું કરો છો? એક તદ્દન વાહિયાત દલીલ !!! મને ખુબ ટેન્‍શન રહે છે એટલે વ્‍યસન કરું છું. શાબ્‍બાશ ! તો સ્ત્રીઓ ને ટેન્‍શન નથી હોતા ? કેટલી સ્ત્રીઓ વ્‍યસન કરે છે ? તમે સ્ત્રીઓ કરતા પણ નબળા છો ને ? બહુ સરળ વાત છે કે તમારો તમારી જાત પર કાબુ નથી. કયો એવો વ્‍યસની છે જે ને વ્‍યસનને કારણે થતા નુકશાન નથી ખબર ? ખબર છે જ પણ.... વ્‍યસન છુટતું નથી. આ ને મનની નબળાઈ નહી તો બીજું શું કેહવાય? તમારી જાતને તાકાતવાળા સમજતા હો તો પેહલા વ્‍યસન મૂકી બતાવો પછી તાકાત ની વાત કરો.

આલેખન : ગોરા ત્રિવેદી

(goratrivedi@yahoo.co.in)

(2:58 pm IST)