Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

મોદી સરકારને લાગ્‍યો ઝટકો

મૂડીઝે ભારતના ૨૦૧૮ના GDP વૃધ્‍ધિદરના અંદાજને ૭.૫ ટકાથી ધટાડીને ૭.૩ ટકા કર્યો

મૂડીઝ ઇન્‍વેસ્‍ટર્સ સર્વિસે ભારતના ૨૦૧૮ના વિકાસદર (જીડીપી) નો આગલો અંદાજ ૭.૫ ટકાથી ઘટાડીને ૭.૩ ટકા કર્યો છે અને એ માટે એવું કારણ આપ્‍યું છે કે અર્થતંત્ર ચક્રવૃધ્‍ધિના પંથે છે, પરંતુ ઓઇલની ઊંચી કિંમતો અને તંગ નાણાકીય પરિસ્‍થિતિ વિકાસના વેગને અસર કરશે. જોકે મૂડીઝે ૨૦૧૯ માટેના ૭.૫ ટકાની વૃધ્‍ધિની આગાહી યથાવત રાખી છે.

જીડીપીમાં ૨૦૧૮માં ૭.પ ટકાની વૃધ્‍ધિના અમારા અગાઉના અંદાજને બદલીને ૭.૩ ટકા કરીએ છીએ. ૨૦૧૯ માટેનો અંદાજ ૭.૫ ટકા જાળવી રાખીએ છીએ એમ મૂડીઝે એના છેલ્લામાં છેલ્લા અપડેટ ‘ગ્‍લોબલ મેક્રો આઉટલુકઃ૨૦૧૮-૧૯' માં જણાવ્‍યું હતું અને ઉમેર્યુ હતું કે ઊંચા લઘુતમ ટેકાના ભાવ અને સામાન્‍ય ચોમાસાને કારણે ગ્રામીણ વપરાશમાં જે વધારો થશે એનાથી વિકાસને વેગ મળશે. ખાનગી મૂડીરોકાણ સાઇકલ પુનઃ રિકવર થશે, કારણકે બેન્‍કોની અને કંપનીઓની ખરડાયેલી અસ્‍કયામતો સંબંધિત સમસ્‍યાઓ ઇન્‍સોલ્‍વન્‍સી એન્‍ડ બેન્‍કરપ્‍ટસી કોડના અમલ દ્વારા ધીરે-ધીરે ઉકેલવામાં આવી રહી છે. એ ઉપરાંત ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેકસ માહોલ પર આગામી થોડા ત્રિમાસીક ગાળામાં વિકાસને અરસ કરી શકે છે. જોકે એક વર્ષમાં બધું થાળે પડી જવાની ધારણા અમે રાખીએ છીએ એમ અહેવાલમાં જણાવવામાં આવ્‍યું હતું.

વિશ્વ અર્થતંત્ર માટે મૂડીઝે ૨૦૧૮નું વર્ષ ૨૦૧૭ જેવું સોૈથી વધુ વૃધ્‍ધિનું વર્ષ બની રહેવાની ધારણા રાખી છે. જોકે ૨૦૧૮ ના અંતે અને ૨૦૧૯માં સંખ્‍યાબંધ વિકસિત દેશોમાં રોજગારી પૂર્ણ સ્‍તરે પહોંચી છે અને વ્‍યાજદર વધવાને પરિણામે વિકાસને અસર થશે એમ મૂડીઝે કહયું છે.

જી-૨૦ દેશો ૨૦૧૮માં ૩.૩ ટકા અને ૨૦૧૯માં ૩.૨ ટકાના દરે વિકાસ કરશે. વિકસિત દેશો ૨૦૧૮માં ૨.૩ ટકા અને ૨૦૧૯માં બે ટકાના દરે વધશે, જયારે જી-૨૦ ઊભરાતી બજારો ૨૦૧૮ અને ૨૦૧૯માં ૫.ર ટકાના દરે વધશે.

(12:16 pm IST)