Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પત્નીના શરીરના રંગ પર કરાયેલી ટીકાથી મહીલાને છુટાછેડા માટે મળી પરવાનગી

પત્નીને કાલી-કલૂટી કહેતા પહેલા કે તેની સાથે દુર્વ્યવહાર કરતા પહેલાં વિચારવાનો સમય હવે આવી ગયો છે

અમૃતસર તા.૩૧: પત્નીને કાલી-કલૂટી કહેતા પહેલા કે તેની સાથે દુર્વ્યવહાર કરતા પહેલાં વિચારવાનો સમય હવે આવી ગયો છે, કારણ કે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે  મહેન્દ્રગઢની એક મહિલાને આ મુદ્દે છુટાછેડા લેવાની પરમીશન આપી છે. ફેમીલી કોર્ટે આ  કેસમાં મહિલાની અરજીને ફગાવી દીધી હોવાથી તેણે હાઇકોર્ટ નો આશરો લીધો હતો.

જમવાનુ ન બનાવવા બાબતે મહિલાને તેના પતિ સાથે વિવાદ થયો હતો. એ સમયે અન્ય લોકોની હાજરીમાં પતિએ તેના રંગ રૂપને લઇને ટીકા કરી હતી. એથી મહિલાએ છૂટાછેડાની અરજી દાખલ કરી  હતી. અદાલતે આ અપીલનો સ્વીકાર કરતા એના ચુકાદામાં કહ્યુ હતુ કે પીડીતે પત્ની એ સાબિત કરવામાં સફળ રહી છે કે તેની સાથે દૂર્વ્યવહાર કરવામાં આવ્યો છે. અને એથી તેને મજબુરીમાં પોતાનું લગ્નજીવન ખતમ કરવાની ફરજ પડી રહી છે. અદાલતમાં રજૂ કરવામાં આવેલા પુરાવાઓ  એ માનસિક અને શારિરીક ક્રુરતા કરવામાં આવી છે.

કોર્ટે ચુકાદો આપતાં ટિપ્પણી કરી હતી કે એક મહિલા જયારે પોતાને સાસરાને છોડીને પિયરમાં પાછા ફરવાની ઈચ્છા બતાવે છે ત્યારે એ જાણવું જરૂરી બની રહી છે કે કયા સંજોગોમાં તેણે આ પગલું ઉઠાવ્યુ છે.

પીડીત મહિલાના વકીલ જે.પી. શર્માએ દલીલ કરી હતી કે લગ્ન બાદથી જ તેની અસીલ સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો. જમવાનું ન બનાવવા માટે તેનું અપમાન કરતાં પતિએ તેને કાલી-કલૂટી કહ્યુ હતુ. નવેમ્બર-૨૦૧૨ માં તે પોતાના પિયરમાં પાછી ફરી હતી. અરજદારના પિતાએ તેની પુત્રીના પતિ અને સાસરીયાને આ બાબતનો ઉકેલ લાવવા જણાવ્યુ હતુ. પરંતુ તેમણે પોતાના દીકરાનાં બીજા લગ્ન કરાવવાની ધમકી આપી હતી.

(11:36 am IST)