Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

RSSના કાર્યક્રમમાં હાજરી આપનારા પ્રણવ મુખરજી પહેલા કોંગ્રેસી નથી

ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ શું બોલશે એ વિષયે એકદમ નર્વસ છે કોંગ્રેસ : જવાહરલાલ નેહરૂ અને ઈન્‍દીરા ગાંધી પણ કાર્યક્રમોમાં હાજર રહી ચૂકયા છે

નવી દિલ્‍હી, તા. ૩૧ :  ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ પ્રણવ મુખરજી ૭ જૂને નાગપુરમાં આરએસએસના કાર્યક્રમમાં સામેલ થવાના છે ત્‍યારે કોંગ્રેસના નેતાઓ એકદમ નર્વસ છે. કેટલાક નેતાઓ તેમને આ કાર્યક્રમમાં ન જવા માટે પત્રો લખીને વિનંતી કરી રહ્યા છે ત્‍યારે બીજી તરફ ઈતિહાસમાં બનેલી ઘટનાઓનો હવાલો આપતા આરએસએસની નેશનલ મીડિયા ટીમના સભ્‍ય અને લેખક રતન શારદાએ કહ્યું હતુ કે, ‘આરએસએસના કાર્યક્રમમાં આવનારા કે એની કામગીરીથી પ્રભાવિત થનારા પ્રણવ મુખરજી પહેલા કોંગ્રેસી નેતા નથી. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ ૧૯૬૨ના ચીન યુદ્ધ દરમ્‍યાન સીમા પર આરએસએસના કાર્યકર્તાઓની સેવાથી પ્રભાવિત થયા હતા. નહેરૂએ ૧૯૬૩ની પ્રજાસત્તાક દિનની પરેડમાં આરએસએસને સામેલ થવા આમંત્રણ આપ્‍યું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્‍દીરા ગાંધીએ આરએસએસના વરિષ્‍ઠ નેતા એકનાથ રનાડેના નિમંત્રણ પર ૧૯૭૭માં વિવેકાનંદ રોક મેમોરિયલનું ઉદઘાટન કર્યુ હતું.'

આરએસએસના કાર્યક્રમમાં હાજર રહેવા બે વાર મળેલા નિમંત્રણનો અસ્‍વીકાર કરવાના સ્‍થાને એમા હાજર રહેવા માટે ભૂતપૂર્વ પ્રેસિડન્‍ટ પ્રણવ મુખરજી સહમત થતા આખી ઘટનાએ રાજકીય રંગ લઈ લીધો છે. તેઓ શું બોલશે ? એના પર તમામ કોંગ્રેસીઓની નજર છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતુ કે ‘આરએસએસના કાર્યક્રમમાં પ્રણવ મુખરજીની હાજરી કોંગ્રેસ અને સેકયુલર કેમ્‍પ માટે એક આંચકો પુરવાર થઈ શકે છે. અત્‍યાર સુધી કોંગ્રેસ આરએસએસને અછુત માનતી હતી. કોંગ્રેસના અધ્‍યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર વ્‍યંગ કરે ત્‍યારે પ્રત્‍યેક વેળા અકારણ જ આરએસએસને પણ એમા સંડોવતા હોય છે.'

મહત્‍વની વાત એ છે કે, આરએસએસને આતંકવાદી ગતિવિધિઓમાં વ્‍યસ્‍ત રહેવાના અને સાંપ્રદાયિકતા માટે દોષી ઠરાવનારા કોંગ્રેસ કમિટિના પ્‍લેનરી સેશન્‍સના તમામ પ્રસ્‍તાવો પ્રણવ મુખરજીએ તૈયાર કર્યા હતા.

(10:46 am IST)