Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

આરકોમ અને એરિક્સન વચ્ચે 550 કરોડમાં સેટલમેન્ટ થયું : શેરમાં 9,72 ટકાનો વધારો

 

મુંબઈ;અનિલની માલિકીની આરકોમ પાસેથી એરિક્સનને લેવાના નીકળતા કરોડો રુપિયા અંગે વચ્ચે છેલ્લા આઠ મહિનાથી ચાલી રહેલા વિવાદમાં આખરે સેટલમેન્ટ થઈ ગયું છે.અનિલ અંબાણી અને એરિક્સન વચ્ચે 550 કરોડમાં સેટલમેન્ટ થયું છે.

સૂત્રો મુજબ  અનિલ અંબાણીને 120 દિવસની અંદર એરિક્સનને 550 કરોડ રુપિયા ચૂકવવાના રહેશે. જો તેઓ રકમ ચૂકવી શકે, તો આરકોમની મિલ્કતો વેચી બેંકોએ જિયો પાસેથી જે પૈસા મેળવ્યા છે તે સમગ્ર ડીલ રદ્દ થશે, અને સમગ્ર કેસ ફરી શરુ થશે. એરિક્સન અને આરકોમ વચ્ચે સેટલમેન્ટ થઈ ગયું હોવાના અહેવાલ બાદ આરકોમના શેરમાં પણ 9.72 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

  આરકોમ અને એરિક્સન વચ્ચે સમાધાન થયા બાદ હવે આરકોમ પોતાની વાયરલેસ અસેટ્સ રિલાયન્સ જિયોને વેચી શકશે, અને તેના બદલામાં જે રકમ તેને મળશે તેનાથી તે પોતાના પર રહેલું દેવું ઉતારી શકશે. મહત્વનું છે કે, એરિક્સનનો દાવો હતો કે, તેને આરકોમ પાસેથી 1000 કરોડ રુપિયાથી પણ વધુની રકમ લેવાની નીકળે છે.

   આરકોમે એરિક્સનને તેની બાકી નીકળતી ઉઘરાણી ચૂકવ્યા વગર જિયોને પોતાની એસેટ્સ વેચવા પ્રયાસ કર્યો હતો, પરંતુ એરિક્સન આરકોમને કોર્ટમાં ઢસડી ગઈ હતી, અને તેણે આરકોમ અને જિયો વચ્ચેની ડીલ પર સ્ટે મેળવી લીધો હતો. સુપ્રીમ કોર્ટમાંથી પણ આરકોમને રાહત નહોતી મળી. તેવામાં તેની પાસે એરિક્સન સાથે સેટલમેન્ટ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.

  આરકોમ અને એરિક્સન વચ્ચે મંગળવારે મોડી રાત અને બુધવારે વહેલી સવાર સુધી નેશનલ કંપની લો એપિલેટ ટ્રિબ્યુનલ સમક્ષ સેટલમેન્ટની કિંમત અંગે ચર્ચા ચાલી હતી. આરકોમ જિયોને પોતાની એસેટ્સ વેચીને તેમાંથી 18,000 કરોડ જેવી રકમ એકત્ર કરવા ધારે છે. પોતાનો ટાવર બિઝનેસ પણ જિયોને વેચી આરકોમનો 232 કરોડ મેળવવાનો પ્લાન છે.

   આરકોમ પોતાની પાસે રહેલા સ્પેક્ટ્રમ, ફાઈબર નેટવર્ક, ટાવર્સ અને સ્વિચિંગ નોડ્સને જિયોને વેચવા પ્રયાસ કરી રહી છે. હાલ આરકોમ પર 46000 કરોડ રુપિયા જેટલું જંગી દેવું છે, જેનો ભાર હળવો કરવા જિયો સાથેની તેની ડીલ મહત્વની મનાઈ રહી છે. જોકે, ડીલમાં પણ અત્યાર સુધી અનેક કાયદાકીય અડચણો આવી હતી. હાલ તો જિયો અને આરકોમ વચ્ચેની ડીલનો રસ્તો સાફ થઈ ગયો છે.

(9:37 am IST)