Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

જો તમે તમારી પત્નીને કાળી કલુટી કહેતા હો તો ચેતજોઃ છૂટાછેડા પણ આપવા પડશે

ચંદીગઢઃ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે અેક મહત્વનો ચૂકાદો આપતા પતિ દ્વારા પત્નીના  રંગરૂપ અંગે ટિપ્પણી કરવામાં આવતા પતિને છુટાછેડા આપી દેવા આદેશ કર્યો છે.

હાઈકોર્ટે મહેન્દ્રગઢની એક મહિલા સાથે દુર્વ્યવ્હાર અને ક્રુરતાના મામલે સુનાવણી હાથ ધરતા તેને છૂટાછેડા માટે મંજૂરી આપી છે. હકીકતમાં મહીલાનો પતિ સાથે ભોજન ન બનાવવાના મુદ્દે વિવાદ થયો હતો. મહિલાએ પતિ પર લોકોની હાજરીમાં તેના રંગ રૂપને લઈને ખોટી ટિપ્પણી કરવાનો આરોપ લગાવતા છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે સ્વીકારી લીધી.

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે પીડિત પત્ની સાબિત કરવામાં સફળ રહી કે તેની સાથે ગેરવર્તણૂંક અને નીચલા સ્તરનો વ્યવહાર કરવામાં આવ્યો છે. આ જ કારણે તેણે પોતાનો લગ્નજીવન ખતમ કરવા માટેનો મજબુર થઈને ફેસલો લેવો પડ્યો. કોર્ટે આદેશમાં કહ્યું કે કોર્ટમાં રજુ  કરાયેલા પુરાવા એ તારણ પર પહોંચવા માટે પુરતા છે કે અરજીકર્તા સાથે માનસિક અને શારીરિક રીતે ક્રુરતા આચરવામાં આવી છે.

જસ્ટિસ એમએમએસ બેદી અને જસ્ટિસ ગુરવિંદર સિંહ ગિલની ડિવિઝન બેંચે મહેન્દ્રગઢની ફેમિલી કોર્ટના ફેસલાને પલટી નાખતા મહિલાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ફેમિલી કોર્ટે આ મામલે મહિલાની અરજી ફગાવી હતી. કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે મહિલાની એફિડેવિટથી તેની સાથેની ક્રુરતાની વાત સાબિત થઈ ગઈ છે. જ્યારે એક મહિલા પોતાના સાસરાને ત્યાગીને માતા પિતા સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો તે બંધારણીય રીતે જાણવું જરૂરી બની છે કે કયા હાલાતમાં આ પગલું લેવાયું છે.

પીડિત મહિલાના વકીલ જે પી શર્માએ દલીલ કરી છે કે લગ્ન સમયથી જ તેની અસીલ સાથે દુર્વ્યવ્હાર કરવામાં આવતો હતો. ભોજન ન બનાવવાને લઈને તેનું અપમાન કરી નાખતા પતિએ કાળી કલૂટી કહ્યું હતું. નવેમ્બર 2012માં તે માતા પિતાના ઘરે પાછી ફરી હતી. અરજીકર્તાના પિતાએ તેમના જમાઈ અને પરિવારના સભ્યોને આ મામલે ઉકેલ લાવવા કહ્યું હતું પરંતુ તેમણે તો પુત્રના બીજા લગ્ન કરવાની ધમકી આપી દીધી હતી.

(12:00 am IST)