Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

તબલીગીમાં પહોંચેલા લોકોની ઓળખ કરવા માટેના આદેશો

આઠના મોત બાદ રાજ્યોમાં ભારે હાહાકાર : કેન્દ્ર વતી તબલીગીમાં ભાગ લેનારા લોકોની ઓળખ કરી તરત ક્વોરનટાઇન કરવાના આદેશો : ૨૧૩૭ની ઓળખ

નવી દિલ્હી, તા. ૩૧ : નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના મર્કજમાં સામેલ થવા આવેલા આઠ લોકોના કોરોનાથી મોત થયા બાદ દેશના એવા તમામ રાજ્યોમાં હાહાકારમ મચી ગયો છે જ્યાંથી લોકો જમાત માટે મધ્ય માર્ચમાં દિલ્હી પહોંચ્યા હતા. હજુ સુધી ૨૧૦૦ લોકોની ઓળખ કરવામાં આવી છે. તેલંગાણામાંથી ૧૦૦૦ લોકો પહોંચ્યા હતા. હિમાચલમાંથી ૧૭, યુપીના ૧૯ જિલ્લામાંથી લોકો પહોંચ્યા હતા. ગૃહ મંત્રાલયની સૂચના મુજબ આશરે ૨૧૦૦ વિદેશી તબલીગીના કાર્યક્રમમાં હિસ્સો લેવા માટે પહોંચ્યા હતા. ૨૧૩૭ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે.

       ગૃહમંત્રાલય દ્વારા પણ તમામ રાજ્યોની પોલીસને તબલીગી જમાતમાં હિસ્સો લેવા પહોંચેલા લોકોની ઓળખ કરવા સૂચના આપી છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસના કેસોમાં ઉલ્લેખનીય વધારો થયા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કઠોર પગલા લેવાયા છે. મેરઠમાં ડીએમે ૨૫મી મે સુધી કલમ ૧૪૪ લાગૂ કરી દીધી છે. બીજી બાજુ દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના આયોજનમાં સામેલ થયેલા મેરઠ અને સહારનપુર જિલ્લાના લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. દિલ્હીના કાર્યક્રમમાં સામેલ થયેલા ઉત્તરપ્રદેશના અન્ય લોકોની ઓળખ પણ કરવામાં આવી ચુકી છે. મેરઠ અને સહારનપુર મંડળના ઓળખાયેલા લોકોની સંખ્યા ૫૭ દર્શાવવામાં આવી છે. હાપુડમાં પણ એક વ્યક્તિની ઓળખ થઇ છે. બુલંદ શહેરમાંથી કોઇ વ્યક્તિ આમા સામેલ થઇ ન હતી.

       મેરઠથી જમાત મર્કજમાં આઠ લોકો સામેલ થયા હતા. દારુલ ઉલુમ દેવબંધમાં પણ એક કરોના દર્દી મળી આવ્યો હતો. તબલીગી જમાતના જલસામાં ગયેલા લોકોની ઓળખ ઝડપથી થઇ રહી છે. આગરા અને મથુરામાં પણ પાંચ લોકો પહોંચ્યા હતા. બીજી બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જોરદાર એક્શનમાં આવીને જમાતમાં સામેલ થયેલા લોકોની ઓળખ તીવ્ર બનાવી દીધી છે. યોગી આદિત્યનાથે આજે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તર પર બેઠક યોજી હતી જેમાં જુદા જુદા આદેશો જારી કરાયા હતા. શોધખોળ કામગીરીને વહેલીતકે પૂર્ણ કરવાના નિર્દેશ જારી કરાયા હતા. આ શોધખોળ કામગીરીને પૂર્ણ કરીને લોકોને ક્વોરનટાઇન કરવાની સૂચના અપાઈ છે. જે જમાતી જ્યાં મળે તેને ત્યાં જ ક્વોરનટાઈન કરવા સૂચના અપાઈ છે. રિટાયર્ડ આર્મી મેડિકલ ઓફિસરોની મદદ પણ લેવામાં આવી રહી છે. તબલીગીના ૧૩ વિદેશી નાગરિક લખનૌમાં છુપાયેલા મળી આવ્યા છે. રેશનિંગ વિતરણ અને બેંકની લેવડદેવડ દરમિયાન લોકોને એકત્રિત ન થવાસૂચના આપવામાં આવી છે.

 મર્કજ તબલીગી જમાત શું છે તેની ચર્ચા શરૂ.....

અલ્લાહની વાતનો પ્રચાર કરનાર

લખનૌ, તા. ૩૧ : તબલીગી જમાતે ઉત્તર પ્રદેશની ઉંઘ હરામ કરી દીધી છે. ઉત્તરપ્રદેશના ડીજીપી દ્વારા ૧૮ જિલ્લાઓના પોલીસ અધિકારીઓને લોકોની શોધખોળ કરવા આદેશ કરાયો છે. તબલીગી શું છે તેની ચર્ચા હવે છેડાઈ છે. તબલીગીનો અર્થ અલ્લાહની કહેલી વાતોનો પ્રચાર કરનાર તરીકે છે. જ્યારે જમાતનો મતલબ સમુહ અથવા તો જૂથમાં થાય છે. એટલે કે તબલીગી જમાતનો મતલબ અલ્લાહ દ્વારા કરવામાં આવેલી વાતોનો પ્રચાર કરવા સાથે સંબંધિત છે. મર્કજનો અર્થ મિટિંગ માટે જગ્યા હોય છે. હકીકતમાં તબલીગી જમાત સાથે જોડાયેલા લોકો પારંપરિક ઇસ્લામને માને છે અને તેનો પ્રચાર કરે છે.

         એક દાવા મુજબ આ જમાતમાં દુનિયાભરના ૧૫ કરોડ સભ્યો છે. એમ માનવામાં આવે છે કે ૧૯૨૭માં આ આંદોલનની શરૂઆત ભારતમાં મોહમ્મદ ઇલિયાસ અલ કાંથલવી દ્વારા કરવામાં આવી હતી. આની શરૂઆત હરિયાણાના નૂહ જિલ્લામાં થઇ હતી. આ જમાતનો મુખ્ય ઉદ્દેશ્ય છ વસુલ સાથે જોડાયેલો છે. એશિયામાં તેની સારી વસ્તી છે. નિઝામુદ્દીનમાં મુખ્ય હેડક્વાર્ટર છે.  આ જમાતનો સૌથી મોટો કાર્યક્રમ બાંગ્લાદેશમાં દર વર્ષે આયોજિત થાય છે. ભારત અને પાકિસ્તાનમાં પણ જમાત માટેનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. દુનિયાભરમાં મોટી સંખ્યામાં મુસ્લિમો પહોંચે છે.

(8:06 pm IST)