Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના સામે જંગમાં સફળતા સંદર્ભે છઠ્ઠીએ માહિતી મળશે

ભારતમાં કેસોની સંખ્યા વધતા ચિંતા વધી છે : આગામી સપ્તાહમાં કેસોની સંખ્યા ૧૫૦૦ સુધી મર્યાદિત રહેશે તો ચોક્કસપણે રાહત મળશે : આંક ઝડપથી વધ્યો

નવી દિલ્હી, તા. ૩૧ : દેશમાં બે મહિના પહેલા કોરોના ઇન્ફેક્શનનો પ્રથમ કેસ સપાટી ઉપર આવ્યા બાદ કેસોની સંખ્યા સતત વધી રહી છે અને આંકડો ૧૩૦૦ સુધી પહોંચ્યો છે. કોવિડ-૧૯ બિમારી સતત ફેલાઈ રહી છે. ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં છેલ્લા સપ્તાહમાં દર્દીઓની સંખ્યા ૧૦૦૦ સુધી પહોંચી છે. છઠ્ઠી એપ્રિલના દિવસે પૂર્ણ થઇ રહેલા ચાલુ સપ્તાહ સુધી દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ પર નજર રાખવામાં આવી રહી છે. કોરોના વાયરસના કેસોની સંખ્યા ૧૫૦૦ સુધી મર્યાદિત રહેશે કે કેમ તે મોટો પ્રશ્ન થઇ ગયો છે. છ એપ્રિલના દિવસે કોરોના સામે લડાઈ કેટલી સફળ રહી છે તે અંગે માહિતી મળી જશે. જો ૧૦૦૦ની સંખ્યા સ્પર્શ થઇ ગયા બાદ આવનાર સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં વધારો ચીન જેવો રહેશે તો દેશમાં આગામી સપ્તાહ સુધી ૯૦૦૦ સુધી આંકડો પહોંચી શકે છે પરંતુ આ વૃદ્ધિદર જાપાન જેવો રહેશે તો આગામી સપ્તાહ સુધી દર્દીઓની સંખ્યા ૧૫૦૦ સુધી રહી શકે છે.

         આવી સ્થિતિમાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ રહી છે. કારણ કે, આંકડો ૧૫૦૦થી ઉપર પહોંચે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ૩૧મી તારીખ સુધી જ આંકડો ૧૩૦૦ સુધી પહોંચ્યો છે ત્યારે આ આંકડો છઠ્ઠી સુધી ૧૫૦૦થી નીચે રહે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. બીજી બાજુ ૧૦૦૦નો આંકડો પાર કરનાર ૪૨ દેશોમાં ભારત સામેલ છે. સવાલ એ થઇ ગયો છે કે હવે દેશમાં દર્દીઓની સંખ્યા કેટલી ઝડપથી વધે છે. પ્રથમ સપ્તાહમાં દેશવ્યાપી લોકડાઉનનો કેટલો ફાયદો થયો છે તેની પણ માહિતી મળશે. અલગ અલગ દેશોમાં કોરોનાના દર્દીઓનો આંકડો ૧૦૦૦ને સ્પર્શી ગયા બાદ કેટલી ઝડપથી વધ્યો છે તેને લઇને ભારતની સ્થિતિના સંદર્ભમાં છઠ્ઠી એપ્રિલ સુધી માહિતી મળી શકશે. ભારતમાં કોરોના ઇન્ફેક્શન હજુ બીજા તબક્કામાં છે. ત્રીજા તબક્કાના કોમ્યુનિટી લેવલમાં નથી પરંતુ આની માહિતી આગામી સપ્તાહ સુધી લાગી જશે. કારણ કે, કોરોનાની સામે હજુ સુધી પ્રયાસો યુદ્ધના સ્તરે કરવામાં આવી રહ્યા છે.

          જો ૧૦૦૦ની સંખ્યા સ્પર્શી ગયા બાદના સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં વધારો થવાનો દર ચીન જેવો રહેશે તો દેશમાં આંકડો ૯૦૦૦ સુધી જઇ શકે છે પરંતુ જો વૃદ્ધિદર જાપાન જેવો રહેશે તો આગામી સપ્તાહ સુધી દર્દીઓની સંખ્યા ૧૫૦૦ સુધી રહેશે. ચીન, સ્પેન અને અમેરિકા જેવા દેશોમાં આંકડો ૧૦૦૦ને પાર કર્યા બાદ અભૂતપૂર્વ તેજી જોવા મળી હતી. ચીનમાં આગામી એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યા ૯૦૦૦થી ઉપર પહોંચી હતી જ્યારે સ્પેનમાં ૮૦૦૦ સુધી પહોંચી હતી. અમેરિકામાં ૭૩૪૮ સુધી પહોંચી હતી. સ્વિડન, ડેન્માર્ક અને જાપાનમાં દર્દીઓની સંખ્યા ૧૦૦૦ સુધી પહોંચ્યા બાદ આંકડો ઘટ્યો હતો. સ્વિડનમાં ૧૮૯૧, ડેન્માર્કમાં ૧૫૯૧ અને જાપાનમાં ૧૫૨૪નો આંકડો રહ્યો હતો. વર્તમાન વૃદ્ધિદરથી જોવામાં આવે તો પ્રભાવિત રાજ્યોમાં દર્દીઓની સંખ્યા છઠ્ઠી એપ્રિલ સુધી બે ગણી થઇ શકે છે. આવી સ્થિતિમાં દર્દીઓની સંખ્યા ૨૦૦૦થી ઉપર પહોંચી શકે છે.

(8:03 pm IST)