Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના : હાલ ભુલો શોધવાના બદલે જાન બચાવવા પર ધ્યાન

નિઝામુદ્દીનમાં જમાતની લાપરવાહી પર આરોગ્ય મંત્રાલયની સ્પષ્ટતા : કોરોના વાયરસ બાદથી ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે : કોરોના હોટસ્પોટની સંખ્યા વધી રહી હોવાની કરાયેલી કબૂલાત

નવીદિલ્હી, તા. ૩૧ : તબલીગી જમાતના દિલ્હી સ્થિત નિઝામુદ્દીન મર્કજ દેશમાં કોરોના વાયરસના નવા હોટસ્પોટ તરીકે ઉભરી ચુક્યું છે. અહીં જમાતમાં હિસ્સો લેવા માટે આવેલા લોકો મારફતે દેશના તમામ હિસ્સામાં કોરોના સંક્રમણના કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. નિઝામુદ્દીનમાં જમાતની લાપરવાહી ઉપર આજે આરોગ્ય મંત્રાલય દ્વારા દેશમાં મચી ગયેલા હોબાળા વચ્ચે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, આ ભુલ શોધવા માટેનો સમય નથી. આરોગ્ય મંત્રાલય તરફથી આ સંદર્ભમાં પ્રશ્ન કરવામાં આવતા કહેવામાં આવ્યું હતું કે, આ સમયે ભુલ કાઢવા માટેનો નથી બલ્કે સ્થિતિને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલા લેવાનો રહેલો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આજે આંકડાકીય માહિતી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, દેશમાં હજુ સુધી ૪૨૮૮૭ સેમ્પલોની તપાસ થઇ ચુકી છે. સોમવારના દિવસે ૪૩૪૬ સેમ્પલોમાં તપાસ કરવામાં આવી હતી.

         આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, તબીબો અને મેડિકલ સ્ટાફની સુરક્ષા માટે જરૂરી વસ્તુઓનો પુરવઠો વધારવામાં આવી રહ્યો છે. હાલમાં ભુલ શોધવા ઉપર નહીં બલ્કે જાન બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. કોરોના વાયરસના ફેલાવવાના સંદર્ભમાં આજે માહિતી આપવામાં આવી હતી. નિઝામુદ્દીનમાં જમાતના મર્કજથી કોરોનાના ફેલાવવાના સંદર્ભમાં પુછવામાં આવતા ઓરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, આ સમય ભુલ શોધવાનો નથી. જ્યાં સુધી નિઝામુદ્દીન એરિયાની વાત છે. અમને આ બાબત સમજવાની વાત છે કે, આ ભુલ શોધવાનો સમય નથી. અમારા માટે મહત્વની બાબત એ છે કે, જે એરિયામાં પણ કોરોનાના કેસ મળી રહ્યા છે ત્યાં તેના ફેલાવવાને રોકવા માટે પગલા લેવામાં આવે.

        દેશમાં કોરોના વાયરસના પરિણામ સ્વરુપે મોતનો આંકડો વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્યમંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, મધ્યપ્રદેશ, બંગાળ અને ગુજરાતમાં એકએકના મોત થયા છે. દેશમાં હોટસ્પોટની સંખ્યા પણ વધી રહી છે. સરકાર માસ્ક સહિત જરૂરી મેડિકલ વસ્તુઓનો પુરવઠો ઉપલબ્ધ કરાવવાના પ્રયાસમાં છે. હાલમાં ટેસ્ટિંગ્ગની ૩૬ ટકાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અધિકારીઓનું કહેવું છે કે, હજુ સુધી ૪૨૭૮૮ સેમ્પલોની તપાસ થઇ છે. આઈસીએમઆરના અધિકારી આર ગંગા કેતકરે કહ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસની તપાસ માટે હજુ ૧૨૩ લેબમાં કામ થઇ રહ્યું છે. ૪૯ પ્રાઇવેટ લેબની મંજુરી અપાઈ છે. સોમવારના દિવસે જે ૪૩૪૬ સેમ્પલોની તપાસ થઇ છે તે પૈકી ૩૯૯ની તપાસ પ્રાઇવેટ લેબમાં કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની સુરક્ષા માટે જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. મેડિકલ લોજિસ્ટિક સપ્લાય વધારવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયા, તુર્કીના પુરવઠાકારોની ઓળખ કરવામાં આવી છે. એન-૯૫ માસ્કનો પુરવઠો વધારવામાં આવી રહ્યો છે. ડીઆરડીઓ સ્થાનિક કંપનીઓ સાથે કામમાં વ્યસ્ત છે.

(8:01 pm IST)