Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જો કાબા અને મદીનામાં મસ્‍જીદ બંધ કરી શકાતી હોય તો ભારતીય મસ્‍જીદો કેમ નહ઼ી ? ગીતકાર જાવેદ અખ્તરે ભારતીય મસ્‍જીદો બંધ કરવા માંગણી કરી

મુંબઈ: દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. અધિકૃત માહિતી મુજબ ભારતમાં સંક્રમણના કેસ 1100 પાર પહોંચી ગયા છે. સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયેલું છે. આ બધા વચ્ચે જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ભારતીય મસ્જિદોને બંધ કરાવવાની માગણી પણ ઉઠાવી છે. તેમણે ઈસ્લામિક સ્કોલર અને અલ્પસંખ્યક આયોગના પૂર્વ ચેરમેન તાહિર મહેમૂદની વાતનો હવાલો આપતા આ અંગે ટ્વીટ કરી છે.

જાવેદ અખ્તરે ટ્વીટર પર લખ્યું કે "એક સ્કોલર અને માઈનોરિટી કમિશનના પૂર્વ ચેરમેન તાહિર મહેમૂદ સાહેબે દારૂલ ઉલૂમ દેવબંધને એક ફતવો બહાર પાડીને જણાવા કહ્યું છે કે જ્યાં સુધી કોરોના સંકટ છે ત્યાં સુધી તમામ મસ્જિદોને બંધ કરવામાં આવે. હું આ માગણીનું સંપૂર્ણ સમર્થન કરું છું. જો કાબા અને મદીનામાં મસ્જિદ કરી શકાતી હોય તો ભારતીય મસ્જિદો કેમ નહીં."

દેવબંધના મૌલાનાએ પણ યોગીને લખ્યો પત્ર

જાવેદ અખ્તરની આ માગણી અગાઉ દેવબંધ સ્થિત દારૂલ ઉલુમના મોહતમિમ મૌલાના મુફ્તી અબુલ કાસિમ નોમાનીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક પત્ર લખ્યો હતો. તેમણે આ પત્રમાં દારૂલ ઉલુમની બિલ્ડિંગને આઈસોલેશન વોર્ડ બનાવવાની રજૂઆત કરી છે. પત્રમાં નોમાનીએ લખ્યું છે કે સંકટની આ ઘડીમાં દેવબંધ દારૂલ ઉલુમ દેશની જનતા અને સરકારની પડખે છે. દારૂલ ઉલુમની ગ્રાન્ડ ટ્રંક રોડ પાસે દારૂલ કુરાનવાળી બિલ્ડિંગ છે. જો સરકાર ઈચ્છે તો તે બિલ્ડિંગને આઈસોલેશન વોર્ડ બનાવી શકે છે.

(4:17 pm IST)