Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ઉદ્યોગ જગત માટે રાહત પેકેજની તૈયારી

લોકડાઉનથી બેરોજગાર બનેલા ઇન્ફોર્મલ કામદારો માટે વળતર

નવી દિલ્હી તા. ૩૧ : ગરીબ લોકો માટે રાહત પેકેજની જાહેરાત કર્યા પછી હવે ઉદ્યોગો માટે રાહત પેકેજની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ વખતે ખાસ વાત એ છે કે ઉદ્યોગોના રાહત પેકેજ હેઠળ સરકાર ઇન્ફોર્મલ સેકટરના કામદારો માટે રાહતના પગલાઓની જાહેરાત કરી શકે છે.

સૂત્રો અનુસાર, ઔદ્યોગિક પેકેજ હેઠળ સરકાર લોકડાઉનના કારણે બેરોજગાર થયેલ ઇન્ફોર્મલ સેકટરના કામદારોને બેરોજગારી ભથ્થું આપી શકે છે. આ બેરોજગારી ભથ્થું કેટલું હશે, કેવી રીતે અપાશે તેના પર અત્યારે અંતિમ વિચારણા ચાલી રહી છે. આ પેકેજ માટે પીએમઓ, નાણા મંત્રાલય અને નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મીટીંગો ચાલુ છે. દેશમાં કોરોનાના પ્રકોપને રોકવા ૨૧ દિવસનું લોકડાઉન છે તેનાથી ઇન્ફોર્મલ સેકટરના લાખો કામદારોની રોજગારી છિનવાઇ ગઇ છે.

એક સરકારી અધિકારી અનુસાર, સરકારનું માનવું છે કે લોકડાઉનના કારણે ઇન્ફોર્મલ સેકટર બહુ ખરાબ રીતે અસરગ્રસ્ત થયું છે. એટલે જે લોકોના રોજગાર છિનવાયા છે તેમને કંઇક વળતર અથવા ભથ્થું આપવું જરૂરી છે. આ બાબતે કેટલાય વિકલ્પો પર વિચાર કરાઇ રહ્યો છે. એક વિકલ્પ એવો છે કે ઇન્ફોર્મલ સેકટરના કામદારોને એક નિશ્ચિત રકમ આપવામાં આવે. બીજો વિકલ્પ છે કે સબસીડી રૂપે તેમને થોડીક રકમ અપાય જેમાં રાજયોને પણ સામેલ કરવામાં આવે. ત્રીજો વિકલ્પ છે કે તેમને વ્યાજમુકત લોન આપવામાં આવે.

અધિકારી અનુસાર, આમા સૌથી મોટી મુશ્કેલી ડેટા એકઠો કરવાની છે. આ બાબતે ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ અને રાજ્ય સરકાર સાથે પણ વાતચીત કરાઇ રહી છે જેથી આ બેરોજગાર થયેલા કામદારો ડેટા બનાવી શકાય. આ ઉપરાંત આ બાબતે ટ્રેડ યુનિયનો પાસેથી પણ સૂચનો માગવામાં આવ્યા છે.

(3:38 pm IST)