Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

વિજય માલ્યાનું ટ્વિટઃ લોકડાઉનથી બધું ઠપ, બધા પૈસા ચૂકવવા તૈયાર

વિજય માલ્યા હાલ લંડનમાં જામીન પર છે

લંડન તા. ૩૧: ભારતમાં ભાગેડુ જાહેર થઇ ચૂકેલા લિકર કિંગ વિજય માલ્યાએ ફરી એક વાર પોતાનું બધું દેવું ચૂકવવાની વાત કહી છે. ટ્વિટર પર વિજય માલ્યાએ એવી અપીલ કરી, પરંતુ કહ્યું કે બેન્ક અને ઇડી આમાં તેમને મદદ કરી રહ્યાં નથી. ભારતમાં કોરોના વાઇરસના સંકટના કારણે જારી લોકડાઉનને લઇ વિજય માલ્યા તરફથી આ ફરિયાદ કરવામાં આવી રહી છે.

લિકર કિંગ માલ્યાએ લખ્યું છે કે ભારત સરકારે આખા દેશને લોકડાઉન કર્યું છે. આ અંગે કોઇએ વિચાર્યું ન હતું. અમે તેનું સન્માન કરીએ છીએ, પરંતુ આ કારણે મારી બધી જ કંપનીઓનું કામ ઠપ થઇ ગયું છે. બધા પ્રકારનું મેન્યુફેકચરિંગ પણ બંધ છે. તેમ છતાં પણ અમે અમારા કર્મચારીઓને ઘરે મોકલી રહ્યા નથી અને તેની કિંમત ચૂકવી રહ્યા છીએ. સરકારે અમને મદદ કરવી પડશે.

આ ઉપરાંત માલ્યાએ લખ્યું છે કે તે ઘણીવાર એવી ઓફર કરી ચૂકયા છે કે બધા પૈસા ચૂકવવા તૈયાર છે, પરંતુ ના તો બેન્ક પૈસા લેવા તૈયાર છે, ના તો ઇડી મદદ માટે તૈયાર છે. મને આશા છે કે નાણાપ્રધાન આ સંકટની ઘડીમાં તેમની વાત સાંભળશે.

ઉલ્લેખનીય છે કે એવું પહેલી વાર થયું નથી, જયારે વિજય માલ્યાએ ટ્વિટ કરી આ રીતે પૈસા પાછા આપવાની ઓફર કરી હોય. આ પહેલાં પણ તેઓ આવી ઓફર કરી ચૂકયા છે, જોકે તેઓ ખુદ ભારત આવવા તૈયાર નથી. લગભગ ચાર વર્ષથી તેઓ લંડનમાં જ છે. વિજય માલ્યા ૯૦૦૦ કરોડનું દેવું ન ચૂકવી શકવાના કારણે ર માર્ચ, ર૦૧૬ના રોજ ભારતમાંથી ભાગી ગયા હતા. માલ્યા પર લંડનની કોર્ટમાં કેસ ચાલતો હતો અને હાલમાં તેઓ જામીન પર છે.

(3:27 pm IST)