Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

તબ્લીગ જમાતના 'ઈજતેમા'માં ભાગ લેવા ૧૫ દેશોમાંથી ૨૦૦ વિદેશી મૌલવી આવેલ

દુબઈથી ૭૦ તબ્લીગી - ઈસ્લામ પ્રચારકો પણ સામેલ : ૧-૧ મૌલવીને ૯-૯ શહેરોમાં પ્રચારની જવાબદારી સોંપાયેલઃ તબ્લીગ જમાતના ઈજતેમામાં ૨૦૦૦ લોકો સામેલ થયા : ૨૦૦ લોકોને અસર : દિલ્હીનો બસ્તી નિઝામુદ્દીન વિસ્તાર સીલ કરાયો : એક મૌલવીને ૯ શહેરોની જવાબદારી હોય ભારતભરમાં તબ્લીગ જમાતના મદ્રેસાઓની રચાયેલી સાંકળથી કોરોના વાયરસ વધુ ફેલાવાની સંભાવના : હજુ ૧૯ વિદેશીમાં પણ કોરોના વાયરસનો રીપોર્ટ કેજરીવાલ દ્વારા તબ્લીગ જમાત સામે એફઆઈઆર નોંધવા આદેશ : ૧૯૨ લોકોને કોરોના હોવાની શંકા

નવી દિલ્હી તા. ૩૧: હાલમાં ભારતમાં કોરોના વાયરસ ફેલાયેલો છે અને એ વેળા જ સરકારે અગમચેતી વાપરીને ર૧ દિ'નો લોકડાઉન ચલાવ્યું છે ત્યારે જ દિલ્હીમાં ''તબ્લીગ જમાત''ના ઇજતેમામાં ભાગ લેવા ૧પ દેશોમાંથી ર૦૦ વિદેશી પ્રચારકો અને જેમાં દુબઇથી ૭૦ પ્રચારકો આવેલા હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

આ તબ્લીગ જમાતના ધાર્મિક કાર્યક્રમમાં તેના પંથના બે હજાર લોકો સામેલ થયા હતા જે કાર્યક્રમ દિલ્હીના બસતી નિઝામુદ્દીન તરીકે જાણીતા વિસ્તારમાં આવેલા તબ્લીગ જમાતના એક મોટા કેન્દ્રસમા મદ્રેસામાં યોજાયો હતો જેનાં દેશભરના તબ્લીગ જમાતના ર૦૦૦ જેટલા અનુયાયીઓ હાજર રહેતા હાલની તકે ર૦૦ જેટલા લોકોને કોરોના વાયરસની અસર થયાનો અહેવાલ જારી થયો છે.

જોકે આ આખો વિસ્તાર ગઇકાલે સીઝ કરી દેવાયો છે બીજી તરફ આ કાર્યક્રમ માટે તેના આયોજન પૂર્વે તૈયારી અર્થે અને કાર્યક્રમ બાદ તેના પ્રચાર અર્થે એક મૌલવીને ૯ શહેરોની જવાબદારી સોંપવામાં આવી હોઇ જયાં જયાં તબ્લીગ જમાતના મદ્રેસા કે કેન્દ્રો આવેલા છે ત્યાં પણ આ પ્રચારકો પહોંચ્યા હોઇ કોરોના સંક્રમણની ભીતી વધુ ગાઢ બની જતા દિલ્હી સરકાર પણ ચોંકી ઉઠી છે.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા ૧૦ તબ્લીગી જમાતના લોકોના મૃત્યુ થયા છે તે હવે જાહેર થઇ ચૂકયું છે. જેમાં એક વિદેશી પ્રચારકનો પણ ભોગ લેવાયો છે તો બીજી તરફ ૧૯ જેટલા વિદેશી પ્રચારકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઇ ચૂકી છે.

તબ્લીગ જમાતના આ મુખ્યાલયમાં તા. ૧ થી ૧પ માર્ચ આ ઇજતેમા યોજાયો હતો જેમાં દેશભરના તમામ રાજયોના તબ્લીગ જમાતના પ્રચારકો હાજર રહ્યા હતા. આ બીના બહાર આવતા હવે મુખ્યાલયમાં છૂપાયેલા ૩૦૦ લોકોને બહાર કાઢી અન્ય જગ્યા ઉપર રાખવામાં આવ્યા છે.

તબ્લીગ જમાતના જે જે સ્થળે આવા કેન્દ્રો આવેલા છે તેને મરકઝ તરીકે ઓળખવામાં આવે છે જે ૧પ દિ'ના આ કાર્યક્રમમાં ૧૩ થી ૧પ ત્રણ દિ' મુખ્ય કાર્યક્રમ હતો. જે પ્રતિબંધ હોવા છતાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોમવારના ૩૪ લોકોની તબિયત લથડી અને તેમને સારવારમાં લઇ જતા અને તે પૈકી એક વૃદ્ધનું મોત થયા બાદ આ હકિકત બહાર આવી હોઇ તબ્લીગ જમાત સામે એફઆઇઆર નોંધવા કેજરીવાલ સરકારે આદેશ કર્યો છે.

જોકે હાલમાં ૧૦૦ લોકોના લોહીના નમુના પરિક્ષણમાં મોકલાયા છે જેના રીપોર્ટ આજે આવશે. ૩૧ માર્ચ સુધી પ્રતિબંધાત્મક આદેશો દિલ્હીમાં હોવા છતાં સમૂહ એકત્ર કરવાનો આરોપ થયો છે. આ સંગઠનના મુખ્યાલયમાં કાર્યક્રમ પતી ગયા પછી પણ ટોળે વળી લોકોને સમજાવવામાં આવે છે અને આ મુખ્યાલય નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનની બરાબર બાજુમાં જ છે.

આ ઇજતેમામાં સાઉદી અરેબીયા, ઇન્ડોનેશિયા, દુબઇ, ઇઝબેકીસ્તાન, મલેશિયા સહિતના પ્રચારકોએ ભાગ લીધો હતો. જો કે ભારતના વિવિધ સ્થળોએથી ૬૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. જે લોકો લોકડાઉન દરમિયાન બસ-ટ્રેન કે વિમાન દ્વારા પોતાના ઘરે પહોંચી ગયા છે.

આ ઉપરાંત આ ઇજતેમામાં આવેલા લોકો માટે જયાં રહેવાની વ્યવસ્થા કરાઇ તે હોસ્ટેલોને પણ સીલ કરી દેવાયા છે. સોમવારે દિલ્હીમાં રપ નવા કેસ કોરોના વાયરસના આવ્યા જેમાં ૧૯ના આ ઇજતેમાથી સબંધિત છે.

જોકે આ કાર્યક્રમ પુરો થઇ ગયા બાદ પણ કેટલાક લોકો મરકઝમાં જ રોકાયા હતા અને આ ઘટના બાદ તપાસમાં ગઇકાલે પોલીસ પહોંચતા જ બધા ભાગવા લાગ્યા હતા પણ પોલીસે ઘેરાબંધી કરી લીધી હતી. કુલ ૧પ૩ લોકોને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અત્રે એ નોંધનીય છે કે, મુસ્લિમ સમાજમાં બે મુખ્ય પંથ છે સુન્ની અને શિયા. જેમાં સુન્ની પંથની વિરૂદ્ધ ચાલનારા અને અલગ પડી દુનિયાભરમાં પોતાનું નેટવર્ક તબ્લીગ જમાત ચલાવી રહી છે અને તે ઘરે ઘરે જઇ પોતાના પંથનો પ્રચાર કરે છે અને સૌને એકત્ર કરી અવારનવાર આવા ઇજતેમા કરતી રહે છે.

(11:24 am IST)