Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોનાઃ ૨૦ મહિલાઓ સાથે જર્મનીની હોટેલમાં રહેવા જતા રહ્યા થાઈલેન્ડના રાજા

જયારે થાઈલેન્ડમાં કોરોનાનું સંકટ ફેલાયું છે ત્યારે રાજા પોતે જ જર્મની જતા રહેતા લોકો તેમની ટીકા કરી રહ્યા છે

બર્લિન, તા.૩૧: થાઈલેન્ડના રાજા Maha Vajiralongkorn ઉર્ફે રામ  હાલ જર્મની ચાલ્યા ગયા છે. થાઈલેન્ડમાં કોરોના વાયરસ ફેલાયો છે અને ત્યાંની જનતા હાલ આ મહામારીનો સામનો કરી રહી છે. ત્યારે થાઈલેન્ડના આ રાજાએ જર્મનીની એક આલીશાન હોટેલમાં રહેવાનું નક્કી કર્યું છે. થાઈલેન્ડ રાજા જર્મની પોતાની સાથે ૨૦ મહિલાઓ અને કેટલાંક નોકરને પણ લઈને આવ્યા છે.

કોરોના સંકટને ધ્યાનમાં રાખતા થાઈલેન્ડના આ રાજાએ પોતાની જાતને જર્મનીના અલ્પાઈન રિસોર્ટની એક આલીશાન હોટેલમાં આઈસોલેટ (બધા કરતા અલગ પાડી દેવું) કરી લીધી છે. આ માટે તેમણે પાર્ટીની જિલ્લા પરિષદ પાસેથી વિશેષ અનુમતિ લીધી છે. થાઈલેન્ડના આ રાજા તેમના પિતાના મોત બાદ વર્ષ ૨૦૧૬માં રાજગાદી પર બેઠા હતા.

એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર થાઈલેન્ડના આ ૬૭ વર્ષીય રાજા સાથે તેમના હરેમમાં ૨૦ મહિલાઓ અને મોટી સંખ્યામાં નોકર રહેશે. આ રાજાએ તેમના પરિવારના ૧૧૯ લોકોને કોરોના વાયરસ સંક્રમણના શંકાના આધારે થાઈલેન્ડ પરત મોકલી દીધા છે. જયારે થાઈલેન્ડમાં કોરોનાનું સંકટ ફેલાયું છે ત્યારે રાજા પોતે જ જર્મની જતા રહેતા લોકો તેમની ટીકા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પણ થાઈલેન્ડના રાજાની ટીકા થઈ રહી છે. જયારે ત્યાં રાજાની ટીકા અથવા અપમાન કરવા પર ૧૫ વર્ષની જેલની જોગવાઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડમાં તારીખ ૨૯ માર્ચ સુધીમાં કોરોના વાયરસના કુલ ૧,૩૮૮ કેસ નોંધાયા છે.

(10:36 am IST)